ગુલાબનગર પાસેથી પોલીસની પ્લેટ લગાડેલ કારચાલક શખ્સ ઝડપાઈપ: જી.જી. હોસ્પિટલમાંથી ડમી આરોગ્યકર્મી મહિલા ઝડપાઈ: ડોકટરના ડ્રેસમાં ડમી પ્રેસના કાર્ડવાળો શખ્સ ઝડપાયો   
જામનગર મોર્નિંગ - જામનગર 
હાલ કોરોના વાઈરસને લઈને કલેકટર દ્વારા જિલ્લાભરમાં જાહેરનામું હોય ત્યારે બિનજરૂરી શેરી ગલીઓમાં બેસી અને ઘરેથ બહાર નીકળતા અનેક શખ્સોની પોલીસે અટકાયત કરી છે, ત્યારે ગુલાબનગર પાસેથી એક શખ્સ પોતાની કારમાં પોલીસ લખેલી પ્લેટ સાથે તેમજ જી.જી. હોસ્પિટલમાંથી એક મહિલા આરોગ્ય કર્મચારી અને બોગસ પ્રેસના આઈકાર્ડ સાથે ડોક્ટરનો ડ્રેસ પહેરી નીકળેલા શખ્સને અટકાવી પુછપરછ કરી ત્રણેયની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જમણગામાં ગુલાબનગર પાસેથી પ્રો.એ.એસ.પી. સફીન હસન અને સ્ટાફ દ્વારા ગુલાબનગર ચેક પોઇન્ટ પાસેથી જીજે 10 સીજી 1725 નંબરની ગાડીમાં આગળ પોલીસનો બોર્ડ લગાવીને નીકળતા જામનગરના જુના રેલવે સ્ટેશન ખાતે રહેતા ઇફ્તેખાર અંસારીની અટકાયત કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
જયારે પંચકોશી એ ડીવીઝન પોલીસનો સ્ટાફ ખીજડીયા બાયપાસ નજીક ચેકિંગમાં હતા ત્યારે ત્યાંથી એપ્રેન્ટ પહેરીને એક મહાશય એકટીવામાં પસાર થઇ રહ્યા હતા ત્યારે તેને પોલીસે અટકાવી અને પુછતાછ કરતા પોતે પત્રકાર હોવાનું કહ્યું હતું, જેથી પોલીસ પણ ઘડીક વિચારમાં પડી ગઈ કે ડ્રેસ ડોક્ટર જેવો અને પત્રકાર કેવી રીતે હોય શકે...? જેથી તેની તપાસ કરતા તેના વાહનની ડેકીમાંથી સ્ટેથોસ્કોપ, વગેરે પણ મળી આવ્યા ઉપરાંત તેની પાસેથી એક સાપ્તાહિકનું આઇકાર્ડ પણ મળી આવ્યું હતું, તે કાર્ડ પણ નકલી હોય પોલીસ દ્વારા આ મામલે ડોક્ટર અને પત્રકાર ના હોવા છતાં ઓળખ આપનાર સુનીલ મનસુખલાલ પંડ્યા જે વામ્બે આવાસની બાજુમાં રહે છે તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.     
ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે બપોરે એક મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, સીક્યુરીટી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, મળતી વિગતો મુજબ અગાઉ જી.જી. હોસ્પિટલમાં આ મહિલા કામ કરતી હતી, જો કે તેને છુટી કરી દેવામાં આવી હોય, પરંતુ અગાઉ આપેલું આઇડી કાર્ડ જમા કરાવ્યું ન હોય અને તે કાર્ડના આધારે ફરીથી જી.જી. હોસ્પિટલમાં દેખા દીધી હતી, દવાબારી અને સોનોગ્રાફી પાસે પકડાયેલી મહિલા ભેદી હીલચાલ કરતા મળી આવતા આ બાબતે તેની પૂછપરછ કરવામાં આવી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં તંત્ર દ્વારા ફાળવવામાં આવેલા પાસ સિવાયના લોકોને બીનજરૂરી રીતે બહાર નીકળવાની મનાઇ છે, તેમ છતાં કેટલાક લોકો બોગસ કાર્ડ, પાસના આધારે બહાર રખડતા હોવાનું તંત્રના ઘ્યાને આવ્‌યું છે અને આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, જી.જી. હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા દ્વારકાનો કથિત પત્રકાર સીક્યુરીટીની ઝપટમાં આવ્યો હતો, જે ચકમો આપીને ભાગી ગયો હતો, તેના કાર્ડમાં પણ બોગસ સહી હોવાનું ઘ્યાન પર આવ્યું હતું.