કોરોના સંકટમાં લોકોની પડખે ઊભા રહેતા પોલીસકર્મીઓ
જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લામાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ અને ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવેલ છે. કોરોના સંકટમાં ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ બીમારીથી બચવાનો એક જ ઉપાય છે કે ઘરમાં રહેવું, વધુ લોકોનો સંપર્ક ટાળવો અને જામનગરની જનતાને આ વિશે સમજાવી રહ્યા છે જામનગરના પોલીસકર્મીઓ.
પોલીસકર્મીઓ કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સતત જનસામાન્યની પડખે તેનો ટેકો બનીને ઊભા રહ્યા છે, જેના ઉદાહરણો દરેક સમયે લોકોને જોવા મળ્યા જ છે. હાલમાં કોરોના સંકટમાં પણ પોલીસકર્મીઓ પોતાના પરિવારથી પહેલા પોતાના કર્તવ્યને સ્થાન આપી લોકોને કોરોનાવાયરસથી બચાવવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.પોલીસકર્મીઓ દ્વારા સતત દરેક ચોક, રસ્તા પર પેટ્રોલિંગ અને ચેકિંગ કરી લોકોને કોરોનાવાયરસથી સાવચેત કરવામાં આવી રહ્યા છે તો જામનગરના ફલ્લા ગામમાં પોલીસે યમરાજાના સ્વરૂપે જાગૃતિલક્ષી પ્રવૃતિ કરી કોરોના વિશેની સમજ આપી લોકોને ઘરમાં રહેવા સમજાવ્યા હતા.
જીવનઆવશ્યક વસ્તુઓ જેવી કે અનાજ,કરિયાણું વગેરે ગરીબ શ્રમિકોને પહોંચે અને તેમને ગંભીર સંકટનો સામનો ન કરવો પડેતે હેતુથી  માત્ર કાયદાકીય કામગીરી નહીં માનવસેવાના દરેક કાર્યોમાં પણ હાલ જામનગરના પોલીસકર્મીઓ જોડાયા છે.છેવાડાના લોકોને પણ કોઈ તકલીફ ન પહોંચે તે માટે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી દરેડ,કનસુમરા અને નાઘેડી જીઆઇડીસી વિસ્તારના અંદાજે ૨૦૦૦ છૂટક મજૂરી કામ કરતા લોકોને રોજ બે સમયનું ભોજન અને રાશનકીટોવિતરિત કરવામાં આવી છે. તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા નિરાધાર ગરીબ જરૂરીયાત મંદોને અનાજ કીટનું વિતરણ કરાયું છે.
વર્તમાન પરિસ્થિતિમાં પોલીસકર્મીઓ પોતાની પારિવારિક જવાબદારીઓને પર રાખી લોકોની સલામતીને પ્રથમ કર્તવ્ય માની કર્મ કરી રહ્યા છે. જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલશ્રી રવિ શર્માના ઘરે ૧ એપ્રિલના રોજ પુત્ર જન્મ થયેલ છે ત્યારે રવિ શર્માએ કહ્યું કે, કોરોના સંકટની હાલની પરિસ્થિતિમાં હું મારા કર્તવ્યને પ્રાધાન્ય આપી મારી ફરજ પર છું.૨વર્ષ પહેલાં મારા ઘરે પુત્રજન્મ થયેલ જે સમયે પણ ફરજ પર હતો અને પ્રીમૅચ્યોર ડિલિવરીના કારણે મારા બાળકનું મૃત્યુ થયું હતું તે સમયે પણ હું મારી ફરજને અગ્રતા આપીને ત્યાં હતો અને હાલમાં પણ જ્યારે મારા ઘરે પુત્રનો જન્મ થયેલ છે ત્યારે હું જેમ પિતા તરીકે મારા બાળકને સલામત રાખવાની ભાવના રાખું છું તેવી જ રીતે એક પોલીસ તરીકે જામનગરના લોકોને પણ સલામત રાખવાની ભાવના સાથે તેમને ઘરમાં રહેવાની અપીલ કરું છું.
તો મરીન પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ બજાવતાહેડ કોંસ્ટેબલશ્રી સૂર્યરાજસિંહ જાડેજા કહે છે કે, મારે ત્યાં બાળકનો જન્મ થયેલ હોય મારી પિતા તરીકેની ફરજ તો છે જ પરંતુ પોલીસ તરીકે મારા વિસ્તારના લોકો પ્રત્યે પણ મારી જવાબદારી છે. જામનગરવાસીઓ સલામત રહે એ માટે અમારા પરિવારને પ૨ રાખી અમારી ફરજને અમારો પ્રથમ આદર્શ માની કામ કરી રહ્યા છીએ ત્યારે લોકોને એટલું જ કહેવાનું કે”તમારા પરિવારને સલામત રાખો, ઘરમાં રહો.”
માત્રસઘન પેટ્રોલિંગ, વાહનો ડીટેઇન કરવા કે ડ્રોન દ્વારા શહેરના વિસ્તારો પર નજર રાખવી એ જ  પોલીસકર્મીઓ કરી નથી રહ્યા તેઓ સમાજના દરેક વર્ગના લોકોને આ પરિસ્થિતિમાં સાવચેત કરવા સાથે તેમની આવશ્યકતા અનુસારની દરેક મદદ પણ કરી રહ્યા છે. લોકડાઉનના સમયમાંજામનગર જી.જી હોસ્પિટલ ખાતે ધુંવાવના હમિદાબેન સુમરાને  આરોગ્યલક્ષી તકલીફ હોવાથી આવવાનું થયું ત્યારે વાહનવ્યવહારબંધ હોવાથી ફરી ધુંવાવ પહોંચવા માટેનીવ્યવસ્થા ના હોય,જી.જી.હોસ્પિટલ ખાતે પેટ્રોલીંગ કરી રહેલી પી.સી.આર વાન ૪૦૨માં હમિદાબેન અને તેમના પરિવારના મોસીનભાઈ સુમરાને પી.એસ.આઇશ્રી મેઘરાજસિંહ વાળા અને તેમની ટીમ દ્વારા ધુંવાવ તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. તો પોસ્ટઓફિસ ખાતે પેન્શન અંગે આવનારા વયસ્કો,વડીલો માટે જામનગરના પોલીસ વિભાગ દ્વારા ખુરશીઓની વ્યવસ્થા કરી પેન્શનરોને સલામત અંતરે બેસાડીને પેન્શન લેવા અંગેની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી.
હાલની પરિસ્થિતિમાં પોતાની દીકરીને એકલી વલસાડ ખાતે રાખી અને હાલ જામનગરના ધ્રોલ વગેરે વિસ્તારોમાં સી.પી.આઇ.તરીકેની ફરજ બજાવતા શ્રી કે.જે.ભોયે કહે છે કે,લોકડાઉનનાઆગલા દિવસે મારા પત્ની અહીં ધ્રોલ ખાતે થોડી કામગીરી હોવાથી આવેલ અને લોકડાઉન થતા અમારી દીકરી હાલ વલસાડ ખાતે તેમના નાની પાસે એકલી છે ત્યારે આવી પરિસ્થિતિમાં પણ અમે લોકસેવામાં સતત હાજર છીએ તો હું લોકોને એટલું જ કહું છું કે તમે પણ અમને સહકાર આપો “ઘરેરહો અને સલામત રહો.”
પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી કલ્પેશ પ્રતાપભાઇ ઠાકરિયાએ પોલીસ તરીકે આ આપદાના સમયમાં અમને લોકસેવાનો એક અવસર મળ્યો છે. અમે લોકોની રક્ષા માટે આ ખાખી પહેરી છે ત્યારે લોકોને આ ગંભીર સંકટમાં અમે મદદરૂપ થઇ શકીએ છીએ તેનો સંતોષ છે તેમ જણાવ્યું હતું.કોઇ પણ પરિસ્થિતિમાં ચોક પર અને વિવિધ વિસ્તારો પર રહી લોકોને ઘરે રહેવા અનુરોધ કરતાં પોલીસકર્મીઓ કાયદાકીય કાર્યવાહી  સિવાય લોકોને મદદરૂપ થવા પણ સતત તત્પર છે લોકરક્ષા તેમના હૃદયમાં છે તેથી જ દરેક પોલીસકર્મી જામનગરના દરેક લોકોને એક જ વાક્યથી અનુરોધ કરી રહ્યા છે કે "ઘરે રહો અને સલામત રહો".
આજરોજ સુધીમાં કુલ ૪૫ પોલીસકર્મીઓ ક્વોરેંટાઇન ફેસીલીટી, આઇસોલેશન વોર્ડ અને હોમ ક્વોરેંટાઇનના વિસ્તારોમાં ફરજ બજાવી રહયા છે.પોલીસ વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી અંતર્ગત ૨૨૮૭ થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ના ભંગ વગેરે કાયદા અન્વયે અંદાજેકુલ ૪૭૬ જેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રોન દ્વારા જામનગરમાં સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.