• નાગરિકોની સેવા અને સુશ્રૂષા માટે સમર્પિત જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર જિલ્લામાં કોરોના નિયંત્રણ માટે લોકસહકારથી રાત-દિવસ ચાલતી કામગીરી 

પોરબંદર તા.૮, કોરોના સામેના જંગમાં પોરબંદર જિલ્લો સુસજ્જ થયો છે . પોરબંદર શહેરમાં અગાઉ કોરોના ના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે ત્યાર પછી હજુ સુધી નવો કેસ આવ્યો નથી પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજય સરકારના માર્ગદર્શન મુજબ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં કોરોના નિયંત્રણ માટે ચાલતી તૈયારીઓ, લોકજાગૃતિ, આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ, કોઈ ભૂખ્યું ન સુવે તે માટેની ઝીણવટ ભરી કામગીરી નોંધપાત્ર છે. જેનાથી આગળ વધીને હવે પોરબંદર જિલ્લામાં તકેદારીના ભાગ રૂપે ૨૫૦ બેડની હોસ્પિટલ્સ્ ડેઝિગ્નેટેડ કરવામાં આવી છે. મહામારી કોરોના વાઇરસના સમગ્ર વિશ્વમાં વધી રહેલા કેસોને ધ્યાને લઇ તથા અગમચેતી તૈયારીના ભાગરૂપે યુધ્ધના ધોરણે રાજ્ય સરકારશ્રીની સુચના મુજબ તથા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ૧૫૦ બેડ તથા શ્રી મોરારજી ઠકરાર હોસ્પિટલ ખાતે ૧૦૦ બેડ આઇસોલેશન વોર્ડની સુવિધા સાથે આ પોરબંદરની બે હોસ્પીટલ ખાતે કુલ ૨૫૦ બેડ તૈયાર કરાયા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનાં સિધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કોરોના વાઇરસ સામે મક્કમતાથી લડી રહ્યુ છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, વહિવટી તંત્ર સહિતના વિભાગો રાત દિવસ કામ કરીને રાજ્યમાં કોઇ નાગરિક કોરોના વાઇરસના ભરડામાં લપેટાઇ નહી તે માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યનાં દરેક જિલ્લામાં ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ ઉભી કરવા મળેલી સુચનાને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા કલેકટરશ્રી ડી.એન. મોદીના સંકલનમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની પ્રસંશનીય કામગીરીથી પોરબંદરની સરકારી અને ખાનગી એમ બે હોસ્પીટલમાં ૨૫૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. પોરબંદરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ૩ પોઝીટીવ કેસ નોધાંયા છે. આ દર્દીઓ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. આ સંદર્ભે સીવિલ સર્જન ડો. બી.એમ. ઠાકરે કહ્યુ કે, સરકારશ્રીની સુચના અને કલેકટરશ્રીનાં માર્ગદર્શન મુજબ ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોના મહામારીની સારવાર આપવામાં આવે છે. અહીં ૧૫૦ બેડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. જેમા ૧૦ આઇસોલેશન I.C.U. તથા ૨૦ બેડ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઇ છે. હોસ્પિટલમાં સારવાર મેળવતા કોરોના વાઇરસના ત્રણેય પોઝીટીવ દર્દીઓને જરૂરી તમામ સારવારની સાથે ચા, કોફી, નાસ્તો, જમવાનું, ગરમ પાણી સહિત જરૂરી સુવિધા આપવાની સાથે તેઓની સારવાર માટે નર્સ, ડોકટરો ૨૪ કલાક ખડેપગે રહે છે. સીવિલ સર્જનશ્રી ઠાકરે વધુમાં કહ્યુ કે, હોસ્પિટલમાં અત્યારે ફક્ત કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને જ સારવાર આપવામાં આવે છે. અહીં આવતા દર્દીઓને પ્રથમ રજીસ્ટ્રેશન તથા તપાસણી બાદ જરૂર જણાયે એડમીટ કરવામાં આવે છે. સરકારની સુચના મુજબ હોસ્પિટલમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે. બે બેડ વચ્ચે એક મીટરથી વધુ જગ્યાનું અંતર રખાયેલુ છે. દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં જરૂરી તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ છે. કોવિડ ૧૯ સામે લડવા માટે સરકારની સાથે સાથે સામાજિક સંસ્થાઓ પણ કાર્યરત છે. કોઇ સંસ્થાઓ ભુખ્યાઓને ભોજન કરાવે છે તો કોઇ માસ્ક સેનીટાઇઝર વિતરણ કરે છે તો કોઇ વ્યક્તિગત સેવા કાર્યમાં જોડાઇ છે. ત્યારે વિવિધ ખાનગી હોસ્પિટલો પણ કોરોના વાઇરસની આપતિના સમયે સરકાર અને દેશવાસીઓના સહારે આવીને કોરોના મહામારી સામે લડવા માટે તૈયારી દર્શાવે છે. પોરબંદરમાં આવેલી શ્રી મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ ખાતે પણ કોરોના વાઇરસ સામે લડવા માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી એમ. જે. કોટેચાએ આ સંદર્ભે કહ્યુ કે, જિલ્લા વહિવટી તંત્ર સાથે મળીને હોસ્પિટલમાં કોવીડ-૧૯ની સારવાર માટે ૧૦૦ બેડ તૈયાર કરાયા છે. ૧૦૦ બેડ ઉપરાંત પોઝીટીવ દર્દીઓ માટે ૬ I.C.U. સુવિધા ઉભી કરાઇ છે. અત્યારે આપતિનાં સમયે સરકાર ખુબ જ મહેનત કરી રહી છે ત્યારે આપ્ણી પણ ફરજ છે કે સેવાના આ કાર્યમા જોડાઇને દેશને મદદરૂપ થઇએ, અમારી હોસ્પિટલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારને અર્પણ કરવામાં આવી છે. ડો. રાજવીબેન ગોહિલે કહ્યુ કે, હોસ્પિટલમાં અત્યારે ફ્લુ ઓપીડી શરૂ કરાઇ છે જેમા કોવીડ-૧૯ના સ્ક્રીનીંગની ઓપીડી શરૂ કરવામાં આવી છે. શરદી, ખાસી, તાવ અને કોવીડને લગતા દર્દીઓને જ અત્યારે હોસ્પિટલ ખાતે તપાસવામાં આવે છે. મનોજભાઇ બદીયાણીએ કહ્યુ કે, આ હોસ્પિટલમાં અત્યારે એક પણ પોઝીટીવ દર્દી નથી, શંકાસ્પદ દર્દીઓને તપાસ અને સારવાર આપવામાં આવે છે. આમ ભાવસિંહજી જનરલ હોસ્પિજટલ અને શ્રી મોરારજી ખેરાજ હોસ્પિજટલમાં ફક્ત કોરોના વાઇરસના દર્દીઓને તપાસવાની સાથે ૨૫૦ બેડની સુવિધા ઉભી કરીને જિલ્લા તંત્રએ પ્રશંસનીય કામગીરી કરી છે.