• રાજસ્થાનથી કુલ ૮ લોકો દેવભૂમિ દ્વારકામાં આવ્યા હતા જેમાંથી ૨ વ્યક્તિના રીપોર્ટ ગઈ કાલે કોરોના પોઝીટીવ આવ્યા છે જયારે ૬ લોકોના રીપોર્ટ પરીક્ષણ માટે આજે મોકલાવાયા છે.

જામનગર મોર્નિંગ – દ્વારકા તા.૩ : લોકડાઉન થયા પહેલા રાજસ્થાન અજમેર ગયેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૦૮ લોકો લોક ડાઉન દરમ્યાન રાજસ્થાનમાં જ ફસાઈ ગયા હતા. જેમાં લોક ડાઉનનો પ્રથમ તબક્કો ૧૪ એપ્રિલએ પૂર્ણ થતા ફરી ૧૯ દિવસ ૦૩ મે સુધી લોક ડાઉન લંબાતા જામનગરના વિવિધ અગ્રણીઓની ભલામણથી રાજસ્થાનમાં ફસાયેલા દ્વારકાના ૦૮ લોકોને રાજસ્થાન અને ગુજરાત સરકારની પરવાનગીથી ખાનગી વાહન મારફત દ્વારકા પહોચાડવામાં આવ્યા હતા.

મળતી વિગત મુજબ તા.૦૧ મેં ના રોજ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ તે ૮ લોકો ખંભાળીયાથી દેવભૂમિ દ્વારકાની સરહદમાં પ્રવેશ્યા હતા. રાત્રીનો સમય હોવાથી કોઈ હોટેલ કે ફળ,ફ્રુટની લારીએ ગયા નહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. છતાં પણ જીલ્લા તંત્ર દ્વારા આખા રૂટની તપાસ કરીને વિગતો મેળવાઈ રહી છે.

રાજસ્થાનના અજમેરથી દ્વારકા આવેલા કુલ ૮ લોકોને દ્વારકા ખાતે સરકારી ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ૧ દિવસ જ રખાયા બાદ દરેકને પોતાના ઘરે ૧૪ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની શરતે જવા દેવામાં આવ્યા હતા. જેમાં ૮ લોકો માંથી ૨ લોકોના રીપોર્ટ ગઈ કાલે કોરોના પોઝીટીવ આવ્યા છે જયારે ૬ લોકોના સેમ્પલ આજે પરીક્ષણ માટે મોકલાવાયા છે.

કોરોના પોઝીટીવના ૨ કેશ આવતા ગઈ કાલે રાત્રે દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટરે બહાર પાડેલા જાહેરનામાં મુજબ દેવભૂમિ દ્વારકાના બેટ – દ્વારકાને સંપૂર્ણ પણે સીલ કરાયો છે. સંપૂર્ણ બેટના લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. જીવન જરૂરી તમામ વસ્તુ જીલ્લા વહીવટી તંત્ર હોમ ડીલેવરીથી પૂરું પાડશે તેવું જણાવાયું છે.

અહી નોંધપાત્ર બાબત એ છે કે , રાજસ્થાનથી આવેલા આ ૮ લોકોને વહીવટી તંત્રની અવારનવારની સૂચનાઓ મુજબ ૭ દિવસ સરકારી કોરોન્ટાઇન સેન્ટરમાં કેમ ના રખાયા ? આ ૮ લોકોને હોમ કોરોન્ટાઇનની શરતે જવા દેવામાં કેમ આવ્યા તે સવાલ છે ? આ નાનકડી ભૂલને કારણે દ્વારકા જીલ્લાના બેટ-દ્વારકા ગામના ૮૨૦૦ લોકોને સંપૂર્ણ પણે હોમ ક્વોરેન્ટાઈન કરવા ફરજ પડી છે.