જામનગરના ૮૪૫, દેવભૂમિ દ્વારકાના ૩૦૧ અને સુરેન્દ્રનગરના ૩૦૦ શ્રમિકોનું વતન વાપસી માટે પ્રયાણ: જામનગર જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા કુલ ૧૬ ટ્રેન દ્વારા કુલ ૨૨,૮૧૮થી વધુ શ્રમિકોને યુ.પી.-બિહાર-ઝારખંડ-પશ્વિમ બંગાળ વતન પહોંચાડાયા
જામનગર મોર્નિંગ - જામનગર 
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ- બિહાર- ઝારખંડ રાજ્યોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવ્યા છે, આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે ૧૪૩૭ જેટલા પરપ્રાંતિય મજુરોને તેમના પરિવારને પશ્વિમ બંગાળ- હાવરા ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૦૧ શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના૩૦૦ શ્રમિકો અને ૮૪૫ જામનગરથી શ્રમિકોને એમ કુલ ૧૪૪૬ શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી અંતિમ અને ૧૬મી ટ્રેન મોકલવામાં આવી છે. આજ સુધીમાં ટ્રેન દ્વારા જામનગર જિલ્લાના ૧૧,૮૦૫ શ્રમિકોને ઉત્તરપ્રદેશ, ૮,૫૪૧ શ્રમિકોને બિહાર અને ૧૦૨૬ શ્રમિકોને ઝારખંડ તેમજ આજે ૮૪૫ શ્રમિકોને પશ્વિમ બંગાળ એમ કુલ ૨૨,૨૧૭ શ્રમિકોને અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૦૧ શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.
વતન વાપસીની વેળાએ જામનગરમાં સોની કામ કરતા હાવરાના સુભાષ સામંતે કહ્યું હતું કે, જામનગર અમારી કર્મભૂમિ છે, કામ કરીને રોજી મેળવવાની છે, એ માટે જામનગર જલ્દી પાછા ફરીશું પણ કોરોનાની આ પરિસ્થિતિમાં સરકારે અમને વતન જવા માટેની વ્યવસ્થા કરી આપી એ માટે ખૂબ ખૂબ આભાર. 
તો મુર્શિદાબાદના ચિરંજીતએ હાલ વતન પહોંચવા માટે સરકારની વ્યવસ્થા અંગે કૃતજ્ઞતા વ્યકત કરતા કહ્યું હતું કે, વાડીનાર ખાતે આઇ.સી.એલ.માં મેન્ટેનન્સ માટે હું આવ્યો હતો, કોરોનાના કારણે કામ બંધ હતું ફરીથી કામ શરૂ થશે એટલે કામ માટે જરૂરથી આવીશું.
આ અંગે પશ્વિમ બંગાળ સરકારને જિલ્લાનુસાર શ્રમિકોની યાદી સ્થળ પરથી જ ઓનલાઇન મોકલવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. 
રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. 
સંકલન- દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ
ફોટો-ગજેન્દ્રસિંહ જાડેજા,માહિતી બ્યુરો,જામનગર