જામનગર મોર્નિંગ - જામનગર 
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે. જેમાં જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ખૂબ સારા પર્સન્ટાઈલ રેન્કથી ઉત્તીર્ણ થયા છે તેમજ નજીકના ભવિષ્યમાં જ ધોરણ૧૦ના માર્ચ ૨૦૨૦માં લેવાયેલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવશે. ત્યારે આ બાબતે લોકોનું ધ્યાન દોરવાનં૨ કે, જિલ્લાની અમુક શાળાઓ દ્વારા વિવિધ રીતે જાહેરખબરો તેમજ સમાચારપત્રોના માધ્યમ દ્વારા એવું જાહેર કરવામાં આવે છે કે, તેમની શાળાના વિદ્યાર્થી સમગ્ર રાજ્યમાં બોર્ડ ફર્સ્ટ કે બોર્ડના ટોપટેનમાં કે બોર્ડ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વગેરે આવ્યા છે એવું દર્શાવતા જોવા મળ્યા છે અથવા તો તેમની શાળાના વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ નંબરે કે સમગ્ર જીલ્લામાં ૧ થી ૧૦ નંબરમાં સ્થાન મેળવેલ છે તેવી બાબતો પણ ધ્યાને આવી છે. ત્યારે લોકોને સાવચેત રહે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓના હિતને લક્ષમાં રાખીને ઘણા સમયથી બોર્ડમાં વિદ્યાર્થીઓના નામ અને તેના બોર્ડમાં મેળવેલ નંબર જાહેર કરવાનું બંધ કરવામાં આવેલ છે તેમજ બોર્ડના પ્રથમ દસની યાદી પણ જાહેર કરવામાં આવતી નથીએટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર કોઈપણ વિદ્યાર્થીને માર્ચની પરીક્ષાના પરિણામ જાહેર કરતા નંબર જાહેર કરતું નથી કે તેનું સમર્થન પણ કરતું નથી. તે જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના આદેશથી જિલ્લામાં પણ કોઈપણ શાળાના કોઈપણ વિદ્યાર્થીને જિલ્લામાં કોઈ જ નંબર જાહેર કરવામાં આવતા નથી તે બાબત ધ્યાનમાં લે.
છેલ્લા થોડા સમયથી અમુક શાળાઓ આ પ્રકારની ભ્રામક જાહેરાતોથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભ્રમિત કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર પહોંચે છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ ભ્રામક જાહેરાતો સમાચારપત્રો પણ પોતાના પ્રતિષ્ઠિત સમાચારપત્રોમાં ન લે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી જામનગરની યાદી દ્વારા વિનંતી કરવામાં આવી છે તેમજ વાલીઓ પણ આ બાબતને ધ્યાને લઇને ભ્રમિત ન થાય તેમ અનુરોધ કર્યો છે.