આરોપીએ બે મહિના પહેલા કાર ચલાવવા માંગી હતી:  કાર ચલાવવા નહીં આપતા ખાર રાખી હુમલો કરાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મહિના પહેલા કાર ચલાવવા માંગતા કાર ચલાવવા નહીં આપતા તે બાબતનો ખાર રાખી માતા-પિતા અને પુત્ર પર ચાર શખ્સે હુમલો કરતા સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ સાધના કોલોની એમ-51 માં રહેતા અનિલભાઈ સોમાભાઈ ચાવડા પાસેથી હાજી સુલતાન ખફીએ બે મહિના પહેલા એકસયુવી કાર ચલાવવા માટે માંગી હોય અને અનિલભાઈએ કાર ચલાવવા નહીં આપતા તે બાબતનો ખાર રાખી હાજી ખફીએ તલવાર તથા લોખંડના પાઈપ સાથે ઘસી જઈ ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ડાબા હાથમાં તલવારનો ઘા મારી આંગળીઓમાં ઈજા પહોંચાડી હતી, તેમજ હાજી સાથે ઘસી આવેલા હર્ષ ઉર્ફે ટકો મહેતા, ફિરોજ બ્લોચ તથા લાલો ઢીંગલી નામના શખ્સોએ ફરિયાદીની માતા રમાબેનને લોખંડના પાઈપ વડે માર મારી બંને પગમાં મુંઢ ઇજા પહોંચાડી હતી તેમજ ફરિયાદીના પિતા સોમાભાઈને લોખંડના પાઈપ વળી મુંઢ માર મારી ડાબા પગે ઈજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા અનિલભાઈ સોમાભાઈ ચાવડાએ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 324, 323, 504, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.