તા.૧/૬/૨૦૨૦ થી થી તા.૩૧/૭/૨૦૨૦ સુધી અમલી આદેશ
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના જુદા જુદા બંદરેથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ વગેરેની આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી તેમજ સામાન્યત: જુન માસથી દરિયો તોફાની થઇ જાય છે. માછીમારો માટે જુન, જુલાઇ મહિનામાં દરિયો ખેડવા જવું વિશેષ જોખમ યુકત હોય છે. મત્સ્યોધોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર દ્વારા આવા માછીમારોને જુન માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા જેવા પરીબળોથી સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોના જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ છે. જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતાં અટકાવવા અનિવાર્ય છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ અંગે જાહેરનામા દ્વારા ફરમાવેલ છે કે, જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક વિસ્તારમાંથી કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતએ તા.૧/૬/૨૦૨૦ થી ૩૧/૭/૨૦૨૦ ના સમય દરમ્યાન માછીમારી કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં જવું નહીં અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહીં.
આ હુકમ પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, સક્ષમ અધિકારી દ્વારા અવર જવર કરવા માટે અધિકૃત કરવામાં આવેલ પેસેંજર બોટો, નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦(૪૫માં અધિનિયમ) કલમ ૧૮૮ મુજબ સજા થઇ શકે છે. આ જાહેરનામું તા.૧/૬/૨૦૨૦ થી તા.૩૧/૭/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.