જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરના ઢીંચડા નજીક તિરૂપતિ સોસાયટી પાસે ટાઉનશીપની બાજુમાં આવેલા કૂવામાં મધરાત્રિના એક વૃઘ્ધ મહિલા પડી જતાં આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા વ્હેલી સવારના મહિલાને જીવંત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને ક્યાં કારણોસર બનાવ બન્યો તેની તપાસ ચલાવવામાં આવી રહી છે.  
મળતી વિગત મુજબ ઢીંચડાની તિરૂપતિ સોસાયટી પાસે આવેલ શિવશક્તિ ટાઉનશીપની બાજુમાં જાહેર કૂવો આવેલો છે, જેમાં રાત્રિના આશરે 3 વાગ્યાના સુમારે એક મહિલા પડી ગયા હતા, દરમ્યાન કૂવામાં રહેલા પાઇપને પકડીને અંદર બેઠા હતા, બીજી બાજુ આ અંગે વ્હેલી સવારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટુકડી તાકીદે દોડી ગઇ હતી. ફાયરના જવાનોએ રેસ્કયુ હાથ ધરીને કૂવામાં પડી ગયેલા મહિલાને જીવંત હાલતમાં બહાર કાઢ્યા હતા, નામ, સરનામું પૂછતા મહિલા આ વિસ્તારમાં રહેતા ગીતાબા મનહરસિંહ (ઉ.વ. પર) હોવાનું જાણવા મળ્યું હતું. ક્યા કારણોસર બનાવ બન્યો એ બાબતે તપાસ ચલાવવામાં આવી રહી છે.