શહેર-જિલ્લામાંથી 17 જુગારીઓની ધરપકડ: રૂ. 39 હજાર ઉપરાંતનો મુદામાલ ઝડપાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર-જિલ્લામાંથી લોકડાઉનની સીઝનમાં જુગાર રમતા વધુ 17 શખ્સને સ્થાનિક પોલીસે દરોડા પડી ઝડપી લઈ રૂ. 39,930ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  
મળતી વિગત મુજબ જામનગરમાં મચ્છરનગર પાછળ, પુનિતનગર 2માં રહેતા ભરતગીરી જેન્તીગીરી ગૌસ્વામી પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોય તેવી બાતમી સિટી બી ડિવિઝનને મળતા દરોડો પાડી રહેણાંક મકાનમાંથી દિલાવરસિંહ કેશુભા વાળા, ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા, લાલાભાઈ કૈણાભાઈ ટોઈટા અને ગૌરવગીરી ભગવાનગીરી ગોસાઈ સહિત પાંચેય શખ્સને ઝડપી લઈ પોલીસે રોકડ રકમ રૂ. 12,100 તેમજ પાંચ નંગ મોબાઈલ કિંમત રૂ. 12,000 કુલ મળી રૂ. 24,100નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.    
જયારે હવાઈચોક ખીજડા મંદિરવાળી ગલીમાં જાહેર શૌચાલય પાસે નિલેષ ઉર્ફે પાનવાળો પ્રભુલાલ વશીયર અને પ્રવીણ ગોરધન કનખરા નામના બંને શખ્સ ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ઝડપી લઈ રૂ. 2850ની રોકડ કબ્જે કરી સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
તેમજ લાલપુર તાલુકાના ગોદાવરી ગામ અને ટેભડા ગામની સિમ વચ્ચે આવેલ ધાબી ધાર પાસે નદીના છેલ્લામાં બાવળની ઝાડીઓમાં જાહેરમાં જુગાર રમતા અજય ભીમશી કરંગીયા, ખીમજી જીવા પરમાર, બાબુ મુળુ વરુ, ઓનઅલી રમજાનઅલી કાનાણી, હિતેષ દેવજી નેસંડીયા અને દિપક લાલજી પાડલીયા નામના છ શખ્સને ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોય લાલપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી રોકડ રકમ 12,420 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.       
ઉપરાંત કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે ફૂલવાડીની આંબલી નીચે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગારી રમી પૈસાની હારજીત કરતા કાળુભાઈ હીરાભાઈ બાંભવા, ધર્મેશભાઈ ધીરુભાઈ મકવાણા, રાજુભાઈ નારણભાઈ નાગસ અને ભવાનભાઈ નાથાભાઈ બાંભવા નામના ચાર શખ્સને રોકડ રકમ 2660 સાથે ઝડપી લઈ કાલાવડ ગ્રામ્ય પોલીસે જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.