જામનગર મોર્નિંગ - દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડુતોને જાણ કરવામાં આવે છે કે હાલ બિયારણ તથા ખાતરની ખરીદીની સીઝન શરૂ થવામાં હોઇ, તો ખેડુત ભાઇઓએ બિયારણ તથા ખાતર ખરીદતી વખતે નીચે મુજબ ની કાળજી રાખવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દેવભૂમિ દ્વારકા ની યાદી જણાવે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપની દ્વારા પુરુ પાડવામાં આવેલ છે તો વરસાદ થતા એકીસાથે બિયારણ તથા ખાતરની માંગ ઉપસ્થિત થાય ત્યારે કૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે જિલ્લાના તમામ ખેડૂતોને ખરીફ ૨૦૨૦ ની સીઝન માટે પાકની જરૂરીયાત મુજબ, કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો તથા બિયારણનો જથ્થો અત્યારથી લઇ રાખવા તેમજ ખાતરની ખરીદી પરવાનેદાર વિક્રેતા પાસેથી સરકાર માન્ય ખાતર પાકા બિલથી ખરીદવા તથા લેભાગુ તત્વો દ્વારા ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેચાણ કરવા આવે ત્યારે આવા ખાતર ન ખરીદવા તથા આવા લેભાગુ તત્વોની જાણ આપના તાલુકાના ખેતીવાડી અધિકારીને કરવા નાયબ ખેતી નિયામક વિસ્તરણની યાદી જણાવે છે.
બિયારણ વિશ્વાસુ પરવાનેદાર(લાઈસન્સ હોલ્ડર) પાસેથી સીલ બંધ પેકીંગમાં જ ખરીદવાનો આગ્રહ રાખવો તેમજ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનીકો દ્વારા કરેલ ભલામણ મુજબના બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો અને બિયારણની ખરીદીનું પાકુ બિલ લેવું. સરકાર માન્ય ન હોય તેવું બિયારણ પરવાનેદાર પાસેથી, અનાધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા તો સગાવાલા પાસેથી ખરીદી ન કરવી તથા વિતેલ મુદતવાળું બિયારણ ન ખરીદવું તેમજ બિયારણ બીજ માવજત આપેલ હોઇ તેવુ વાપરવાનો આગ્રહ રાખવો. માર્કેટમાં સરકાર માન્ય જુદી-જુદી કંપની ની જુદી-જુદી જાતો મળતી હોઇ જેને ધ્યાને લઇ કોઇ એક જ કંપનીના બિયારણ ખરીદીનો આગ્રહ ન રાખતા તમારી પાસે ઉપલબ્ધ પિયત તેમજ અન્ય સુવિધાઓને ધ્યાને લઈ બિયારણ ની જાત પસંદ કરવી.
0 Comments
Post a Comment