જામનગર જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા અંદાજે ૧૬૦૦ શ્રમિકોને બિહાર મોકલાયા 
જામનગર મોર્નિંગ - જામનગર 
 જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી યુ.પી.-બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે૧૬૦૦ જેટલા પરપ્રાંતિય મજુરોને તેમના પરિવારને બિહાર-બાંકાખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી ૧૩મી ટ્રેન મોકલવામાં આવી છે. 
ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. 
આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ અને ૧ આગળ તથા ૧ પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. શ્રમિકોને સુરક્ષિત વતન પહોંચાડવા પોલીસ વિભાગ દ્વારા સતત ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે.