જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.8 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંગડી અને ગાંધવી ગામે આવેલ કાળા પથ્થર બ્લેક ટ્રીપની ચાર જેટલી ક્વોરી લીઝ માંથી બોગસ રોયલ્ટી પાસ બનાવીને ખનીજ ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવતા ખનીજ ચોરી આચરનાર 9 જેટલાં વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર - 180/1 અ તથા ગાંધવી ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર - 270 પૈકીમાં કુલ 4 બ્લેક ટ્રીપ ખનીજની ક્વોરી લીઝ આવેલ છે. આ ક્વોરી લીઝમાંથી ડુપ્લીકેટ રોયલ્ટી પાસ બનાવીને ખનીજ ચોરી થતું હોવાનું બહાર આવ્યું છે. ગત તા.21 ફેબ્રુઆરીના ખાણ ખનીજની ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા જીજે 37 ટી 3100 તથા જીજે 37 ટી 3102ને ઓવરલોડ ખનીજ ભર્યું હોવાથી સીઝ કરીને ઓવરલોડ ખનીજનો દંડ ફટકાર્યો હતો જે દંડ ખનીજ વહન કરનાર દ્વારા ભરવામાં આવ્યો હતો પણ આ દરમ્યાન ખનીજ વહન કરનાર ઉપર મુજબના બન્ને ડમ્પરોના જે રોયલ્ટી પાસ રજુ કરવામાં આવ્યા હતાં તે ડુપ્લીકેટ અને ડમી બનાવ્યા હોવાનું ખુલતા આ આખું ખનીજ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બાદમાં ખાણ ખનીજ કચેરી દ્વારા તપાસ કરાતા આ ક્વોરી લીઝ માંથી વધુ 11 બોગસ રોયલ્ટી પાસ મળી આવ્યા હતાં. અને આ બોગસ રોયલ્ટી પાસના આધારે ખનીજ સ્ટોક ધારણ કરનાર રામા ક્રિષ્ના સ્ટોન વર્કસ પાસેથી પણ ખોટા ડીલેવરી પાસ મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે. બોગસ રોયલ્ટીથી આ ખનીજ શિવાલય ઇન્ફ્રાપ્રોજેક્ટ ભાટીયા તથા શિવાલય ઇન્ફ્રાપ્રોજેક્ટ કલ્યાણપુર વાળાઓએ આ ખનીજ ખરીદયું હોવાનું બહાર આવ્યું છે.

આ બોગસ રોયલ્ટીથી ખનીજ ચોરીમાં સંડોવાયેલા લીઝધારક શ્રી સામંત ધરણાંત ગોજિયા, લીઝધારક શ્રી દાના રણમલ ગોજિયા, પરબત રામશી ગોજીયા, પરબત રામશી ગોજીયા તથા સ્ટોકધારકશ્રી રામા ક્રિશ્ના સ્ટોન વર્ક્સ, તેમજ ખરીદકર્તાશ્રી શિવાલય ઈંફ્રાપ્રોજેક્ટ/કલ્યાણપુર તથા શિવાલય ઈંફ્રાપ્રોજેક્ટ/ભાટિયા,  ટ્રક નં. જીજે.૩૭.ટી.૩૧૦૦ ના  માલિક તથા ડ્રાઈવર, ટ્રક નં.જીજે.૩૭.ટી.૩૧૦૨ ના માલિક તથા ડ્રાઈવર તેમજ તપાસમાં ખુલવા પાત્ર તમામની વિરુધ્ધ સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરી તેની સાથે ચેડાં કરવા બદલ તેમજ સરકાર સાથે છેતર પિંડી કરવા બદલ ભારતીય ફોજદારી અધિનિયમની વિવિધ કલમો તળે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે.