જામનગર મોર્નિંગ - ભાણવડ, તા. 21: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના બરડા ડુંગર નજીક આવેલ મોખાણા ગામે નાથાભાઈ રામાભાઇ મોરીની વાડીમાં આવેલા કુવામાં આજે સાંજના સમયે ચાલુ વરસાદએ અજગર દેખાતા ભાણવડના એનિમલ લવર્સ ગૃપના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધતા એનિમલ લવર્સ ગૃપ ટીમ અને સ્થાનિક રહેવાસીઓ મળીને ચાલુ વરસાદમાં કુવામાંથી અજગરને રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં રેસ્ક્યુ કરાયેલ અજગરને બરડાના પ્રાકૃતિક આવાસમાં વિહરતો મુકવામાં આવ્યો હતો. 

ભાણવડના બરડા પંથકમાં અવારનવાર અજગર જોવા મળતા હોય છે. અજગર એ અનુસૂચિ 1 માં સમાવેશ થતી લુપ્ત થતી જતી સરીસૃપ પ્રજાતિ છે. પણ અહીં હરિયાળી અને જંગલી પ્રદેશ હોવાથી મોટા પ્રમાણમાં સરીસૃપ જીવો વસવાટ કરે છે.