જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા. 21 : દેવભૂમિ દ્વારકા જીલ્લો ખનીજ ચોરી માટે દિવસે ને દિવસે વધુ કુખ્યાત બનતો જાય છે હમણાં થોડા દિવસો પહેલા જ 2.70 કરોડની ખનીજ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. બ્લેક ટ્રેપ લીઝમાં ગેરરીતિ અને બનાવટી રોયલ્ટી પાસનું પણ કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે વધુ એક વખત કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી ખાનગી માલિકીની જમીનમાંથી મોટા પાયે ચાલતી ખનીજ ચોરીમાં સંડોવાયેલ અઢી કરોડની કિંમતના વાહનોને તેમજ 14.42 કરોડની ખનીજ ચોરી મળીને 16.92 કરોડનું ખનીજ ચોરી કૌભાંડ રાજકોટ રેન્જ આર. આર. સેલ વિભાગે ઝડપી પાડ્યું છે.

મળતી વિગત મુજબ રાજકોટ રેન્જ પોલીસ નાયબ મહાનિરીક્ષકની સૂચના મુજબ રેન્જમાં ચાલતા અનધિકૃત ખનીજ ખોદકામ પર કડક હાથે કામ લેવા માટે જણાવેલ હોય જે અન્વયે આર. આર. સેલની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સ્ટાફના જયદેવસિંહ જાડેજા, વિપુલભાઈ મોરી, કુલદીપસિંહ જાડેજા, શિવરાજભાઈ ખાચર અને કૌશિકભાઈ મણવર દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં દરમિયાન કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામના ભોપામઢી વિસ્તારમાં ડાડુભાઈ પીઠાભાઇ કંડોરીયાની ખાનગી માલિકીના રે. સર્વે નંબર - 152માં મોટા પ્રમાણમાં અનધિકૃત ખનીજ ખોદકામ કરતા હોવાની માહિતી મળતા ત્યાં રેઇડ કરીને તે જમીનમાં હિટાચી, બ્રેકર અને ડમ્પર સહિતનો મુદ્દામાલ આર. આર. સેલ વિભાગે ઝડપી પાડ્યો છે. જેમાં 3 એકસવેટર અને 4 ડમ્પર ડ્રાઇવર સહિતના જેમાં વાહન ચાલકો 1. વાલા કુલજીભાઈ પરમાર, 2. ભાવેશ ગોવાભાઈ સુવા,  3. રમેશ ભીખાભાઇ કરંગિયા, 4. હમીર નાગાભાઇ કામ્બરીયા, 5. મારખી નેભાભાઈ બેલા,  6. રતનજી હમીરભાઇ મોરી અને 7. ધાધાભા રાયમલભા કુરાણી રહે તમામ કલ્યાણપુર તાલુકા તેમજ જમીન માલિક સહીત આઠ ઈસમોને અને ઉપર મુજબના વાહનો જેની અંદાજિત કિંમત અઢી કરોડ જેટલી થાય છે તે ઝડપી પાડી કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવા માટે આર. આર. સેલ એ રજુ કર્યા હતાં.

ખનીજ ચોરી થતી આ જગ્યા પર ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરાતા 14.42 કરોડની ખનીજ ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે.  14.42 કરોડની કિંમતનું ખનીજ અને 2.50 કરોડના વાહનો મળીને 16.92 લાખનું બોક્સાઈટ ખનીજ ચોરી કૌભાંડ રાજકોટ આર. આર. સેલ અને જીલ્લા ખાણ ખનીજ કચેરી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં પ્રકાશમાં આવ્યું છે. આ ખનીજ રેઇડનો  જીલ્લાની સૌથી મોટી ખનીજ ચોરી રેઇડમાં સમાવેશ થાય છે.