જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. જીલ્લાના જામજોધપુર, લાલપુર, ધ્રોલ અને કાલાવડ તાલુકાના ગામડાઓમાં ઝાપટાથી લઈને અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
જામનગરમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મંગળવારે સવારે વરસાદનું આગમન થયું હતું. અડધી કલાક સુધી વરસેલા વરસાદથી કાળઝાળ ગરમીમાં અકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગરમાં અડધો ઇંચ વરસાદ થતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. મોસમના પ્રથમ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી છવાઇ ગઈ હતી.
જામનગર ઉપરાંત જીલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને ધ્રોલ, કાલાવાડ, જામજોધપુર અને લાલપુર તાલુકાના ગામડાઓમાં ઝરમર વરસાદથી લઈને અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ધ્રોલના લતીપુરમાં 13 એમએમ, જલીયાદેવાણીમાં 20, લૈયારામાં 6, જામજોધપુરના સમાણામાં 20 જયારે શેઠવડાળામાં 10 એમએમ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં 5, મોડપરમાં 5 અને ડબાસંગમાં 6 જયારે જામનગરના ફલ્લામાં 11, જામવંથલીમાં 10, ધુતારપુરમાં 10 અને કાલાવડના પાંચદેવડામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થયો હોય ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે. જો કે હજુ વિધિવત ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે.