તીરછી નજર - ભરત હુણ

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જકાતનાકાથી હાઈસ્કૂલ ચોક થઇ વેરાડ નાકા સુધી જતો મુખ્ય બાયપાસ રોડ તદ્દન બિસ્માર હાલતમાં આર. સી. સી. સિમેન્ટ થયેલા આ રોડમાં સિમેન્ટ રોડ જ ગાયબ થઈ ગયો અને વધેલા ધૂળીયા માર્ગમાં પણ ઠેર - ઠેર ગાબડાઓથી નગરજનો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

વર્ષ 2015-16માં કરોડોના ખર્ચે નવો બનેલો આ બાયપાસ રોડ નવો બન્યા વખતથી જ વિવાદમાં ઘેરાયેલ હતો. બાયપાસ રોડમાં રેતી અને સિમેન્ટ તદ્દન હલકી કક્ષાનું અને ઓછી માત્રામાં નાખ્યું હોવાથી નવો બનેલ બાયપાસ રોડ ટૂંકા ગાળા માંજ નાસ પામ્યો હતો અને દર વર્ષે માટી/મોરમ પાથરીને કામ ચલાવાઈ રહ્યું હતું ધૂળિયા રોડમાં પણ રાહદારીઓએ 3-4 વર્ષ જેટલો સમય કાઢ્યા બાદ પણ નવો રોડ ના બનતા હવે નગરજનો કંટાળી રહ્યા છે. જકાત નાકાથી શરૂઆત થતા જ બાયપાસ રોડમાં મોટા મોટા ગાબડાઓથી વાહન ચાલકો ત્રાસી ગયા છે.

ભાણવડના આ બાયપાસ રોડ પરથી દરરોજના અનેક માલ વાહક ટ્રક, જૂનાગઢ, ગીર સોમનાથ તરફ જતા મોટી સંખ્યામાં ડીઝલ - પેટ્રોલના ટેન્કર, સરકારી અને ખાનગી બસો, કાર મોટર સાયકલ સહીતના હજારોની સંખ્યામાં વાહન ચાલકો રાહદારી અને સ્થાનિક નગરજનો ગ્રામીણ લોકો પસાર થાય છે ત્યારે આ રોડના નવીનીકરણ માટેની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ બાયપાસ રોડ સહીત ભાણવડ નગરપાલિકા હસ્તકના બીજા રોડોની પણ ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિજિલન્સ તપાસની માંગ કરાઈ હતી અને વિજિલન્સ તપાસની કામગીરી પણ હાલ ચાલુ છે.  આ રસ્તાઓનું કામ કરનાર ભુપતાણી એસોસિએટ અને ઓમ કન્ટ્રક્શન રાજકોટ આ બન્ને એજન્સીને નગરપાલિકા દ્વારા બ્લેકલિસ્ટેડ કરાઈ છે અને 50 લાખથી વધારેની રકમ એજન્સીની જપ્ત કરવામાં આવી હોવાનું નગરપાલિકા સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે.