જામનગર મોર્નિંગ - જામનગર 
આજરોજ જામનગર જિલ્લામાં આરોગ્યની જાળવણી અને આગામી દિવસોમાં રોગચાળાની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે અંગે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. 
આ બેઠકમાં વર્ષાઋતુમાં ઉદ્ભવતા મોટાભાગના રોગ જેવા કે પાણીજન્ય અથવા તો પ્રાણીજન્ય રોગોને અટકાવવા માટે ક્લોરીનેશન, ઘનકચરાના નિકાલ, પીવાના પાણીની બેક્ટેરિયલોજીકલ તપાસ, હોટેલના ગંદા વાસી ખોરાકના નિકાલ, લારી-ગલ્લાની તપાસ, આઇસ ફેક્ટરીની તપાસ વગેરેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જે તે તાલુકાના જે વિસ્તારોમાં આ પ્રકારનારોગ જેવાકે ટાઈફોડ,મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસ મળેલ હોય તે વિસ્તારોના સર્વેલન્સની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. 
આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ દરેક વિસ્તાર લગત એક ટીમની રચનાનું નિર્માણ કરવાની સૂચના આપી હતી, જે દરેક વિસ્તારમાં જંતુનાશકોનો છંટકાવ, પાણીના ભરાવાને રોકવા માટે વગેરે કામગીરી પર ધ્યાન આપશે. સાથે જ ડી.ડી.ઓશ્રીએ પાણી પુરવઠા વિભાગ અંતર્ગત થયેલી કામગીરી જેવી કે ક્લોરીનેશન, ગેસિયસ ક્લોરીનેશન, સંપ લાઈનની સફાઇ અને પાણીના સેમ્પલની ચકાસણી અંગે સંપૂર્ણ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં સી.ડી.એચ.ઓ. બથવાર, જામનગરના મેલેરિયા ઓફિસર, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસર વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.