જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૦૩ : ભાણવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં મળીને ૧.૫૦ લાખ જેટલી માનવ વસ્તી વસવાટ કરે છે. ભાણવડ શહેર,ગ્રામ્ય પંથકમાં દુકાનો,ખેતીવાડી,ઘર જોડાણ અને ઔદ્યોગિક હેતુના મળીને ૨૦ હજાર જેટલા વીજ જોડાણ આવેલ છે. ભાણવડમાં જયારે વીજલાઈનમાં ક્યાંય ફોલ્ટ થાય અથવા તો અડધા કે આખા દિવસ માટે વીજ કાપ રાખવામાં આવે ત્યારે લાઈટ ક્યારે આવશે અથવા તો કયારે રીપેર થાશે એ જાણવા માટે ભાણવડ ખાતેના પીજીવીસીએલના ફોલ્ટ ઓફિસમાં લોકો ફોન કરે છે એ સિવાઈ કોઈ વિસ્તારમાં ફોલ્ટ થાય કે કોઈ વીજ લાઈનમાં અકસ્માત સર્જાઈ ત્યારે ફોલ્ટ લખાવવા માટે ફોલ્ટ ઓફિસનો સંપર્ક કરતા હોય છે ત્યારે ભાણવડ ખાતેના ફોલ્ટ ઓફિસનો ફોન સતત એન્ગેજ આવતો હોય  જેથી લોકો દ્વારા ફોલ્ટ ઓફિસનો  સંપર્ક થઇ શકતો નથી. જાણવા મળતી વિગત મુજબ ફોલ્ટ ઓફીસમાં કુલ ૩ ફોન આવેલા છે લાઈટ જતી રહે એટલે બધા લોકો એક સાથે ફોન કરતા હોવાથી ફોન લાગી શકતો નથી. ત્યારે સવાલ એ થાય છે કે, ૨૦ હજાર વીજ ગ્રાહક ધરાવતી ભાણવડની પીજીવીસીએલ કચેરી ફોલ્ટ ઓફીસ ખાતે ફોનની સંખ્યા વધારી ના શકે ? જેથી કરીને વીજ લાઈનમાં કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે તાત્કાલિક ફોન કરીને વીજ પ્રવાહ બંધ કરાવી શકાય તેમજ વીજ લાઈન ફોલ્ટમાં હોય ત્યારે ગ્રાહકો ફોન કરીને જાણી શકે કે લાઈટ કયારે આવશે.


" ભાણવડમાં કુલ ૩૧ ફીડર આવેલા છે. એક ફીડરમાં સરેરાશ ૮૦૦ થી ૧૦૦૦ જેટલા વીજ જોડાણ આવેલા હોય છે. એવામાં કોઈ વિસ્તારમાં વીજ ફોલ્ટ થાય ત્યારે તે વિસ્તારનું ફીડર બંધ કરવું પડતું હોય એક ફીડરમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલા વીજ જોડાણ હોય જેમાંથી મોટા ભાગના લોકો તાત્કાલિક ફોલ્ટ ઓફિસનો સંપર્ક સાધવા માટે ફોન જોડતા હોય ફોનની ટ્રાફિક વધી જવાના કારણે ફોન લાગી શકે નહી એવું બનતું હોય છે."

નાગાજણભાઈ ગોરાણીયા
નાયબ ઈજનેર,પીજીવીસેલ પેટા વિભાગીય કચેરી ભાણવડ