16 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર નજીકની ખાનગી કંપનીની લેબર કોલોનીમાં સોમવારે રાત્રે એકત્ર થયેલા કામદારોએ દંગલ મચાવતા ચકચાર મચી જવા પામી છે. બરાબર જમવાનું આપતા ન હોવાની અને કોરોનાને લઇને માસ્ક ફરજીયાત પહેરાવતા હોવાથી કામદારોએ દંગલ મચાવી, તોડફોડ કરી સિકયુરીટી સ્ટાફને મુંઢ માર માર્યાની મેઘપર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગત મુજબ ગત તા. 8 મી ના રોજ રાત્રે સાડા આઠેક વાગ્યે મેઘપર નજીક આવેલ ખાનગી કંપનીના લેબર કોલોની (એલ.સી.-8) માં કામદારો એકત્ર થઇ ગયા હતા અને ઉશ્કેરાઇ જઇ રસોડાનો સામાન વેરવીખેર કરી લાઇટો તોડી સિકયુરીટીની કેબીન ઉંધી વાળી નુકશાની પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીઓએ એકસંપ કરી સિકયુરીટી ગાર્ડના માણસો પર પથ્થરમારો કરી મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે રિલાયન્સ કંપનીના કનુભાઈ મગનભાઈ ગુજ્જરે મેઘપર પોલીસ દફતરને તાત્કાલીક જાણ કરી હતી. જેને લઇને પી.એસ.આઇ. વાઢેર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.
કંપનીના કનુભાઇએ આ બનાવ અંગે અભયસિંહ ગગુભા ચુડાસમા (રહે. ગામ નવાગામ તા.લાલપુર), અક્ષયકુમાર દિનેશ ખેતીયા (રહે.ગામ પડાણા તા.લાલપુર), ભાવેશ અરવિદભાઇ ચાવડા (રહે.ગામ સણોસરી તા.કલ્યાણપુર), હાર્દીક બાબુભાઇ સોલંકી (રહે.ગામ સીક્કા તા.જામનગર), યુવરાજસિંહ દેવુભા કંચવા (રહે. ગામ મેઘપર તા.લાલપુર), ગડચર પ્રતિક અશોકભાઇ (જામનગર), રામદે કેશુરભાઇ બોદર (રહે.નારાયણનગર વુલનમીલ પાછળ જામનગર), અર્જુન પ્રભાતસિંહ જાડેજા (રહે.7 પટેલ કોલોની જામનગર), મનન રાઘવજીભાઇ નરીયા (રહે.ચેમ્બર કોલોની અંધાશ્રમ પાછળ જામનગર), હિમાંસુ કીરીટભાઇ માંકડીયા (રહે.ગરનાળા તા.ગોંડલ), દેવેન્દ્રસિંહ જાડેજા (હરિપર તા.લાલપુર), આશિષ વલ્લભભાઇ ધારવીયા (રહે.ગામ ખીમરાણા તા.જામનગર ગ્રામ્ય), જયદિપસિંહ ખોડુભા જાડેજા નિર્મલનગર (રહે.રામેશ્વરનગર શેરી નં 4 જામનગર), કલ્પેશ અરવિંદભાઇ પીઠળીયા (રહે.1419 નારાયણનગર જામનગર), ગણપતલાલ ચંપાલાલ પ્રજાપતિ (રહે.ગામ સિક્કા તા.જામનગર), તુષાર અશોક યેવલે (રહે.ફલેટ નં 4 રાધે ગોપાલ એપાર્ટમેન્ટ 11/2 જામનગર) નામના શખ્સો સામે આઇપીસી કલમ 34, 143, 146, 147, 323, 337, 504, 427, 188 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ અને એપેડેમીક ડીઝીઝ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ ખાનગી કંપનીમાં કામદાર તરીકે કાર્યરત છે અને લેબર કોલોની-8 માં રહે છે.
હાલ કોરોનાની મહામારીને લઇને 4 થી વધુ માણસો એકત્ર ન થવા અને કોરોના સંક્રમીત ન થાય તે માટે કલેકટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેની અમલવારી કરવામાં આવી રહી છે. આ જાહેરનામું હોવા છતાં પણ લેબર કોલોનીમાં રહેતા કામદારો એકઠા થઇ જમવાનું બરાબર મળતું નથી અને સિકયુરીટી ગાર્ડના માણસો ધરારથી માસ્ક પહેરાવે છે તેમજ દુર બેસવા માટે ધમકાવે છે તેવા બહાના તળે એકત્ર થઇ ઉશ્કેરણી કરી વારદાતને અજાંમ આપ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે તમામ શખ્સો સામે ફરિયાદ નોંધી મેઘપર પી.એસ.આઇ. ડી.એસ. વાઢેર સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.