જામનગર મોર્નિંગ – કલ્યાણપુર તા.૨૪ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામ નજીક સીમમાં અનધિકૃત રીતે સંગ્રહ કરેલ ૩૫૪૬.૫૮ મેટ્રીક ટન જેટલો બોક્સાઈટનો જથ્થો એક હિટાચી મશીન સહિતનો મુદામાલ ખાણ ખનીજ કચેરીની ટીમ દ્વારા ઝડપી તમામ મુદ્દામાલ સીઝ કરીને વિધિસરનો ગુનો કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં દિનપ્રતિદિન વધતી જતી ખનીજ ચોરીને ડામવા માટે ખાણ ખનીજ વિભાગ સતત સક્રીય હોય. દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર અને ભૂસ્તરશાસ્ત્રીની સુચના મુજબ ખાણ ખનીજની ટીમો અનઅધિકૃત ખનીજ ખોદકામ અને વહનને અટકાવવા માટે સતત પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામ નજીક સીમમાં ૩૫૪૬.૫૮ મેટ્રીક ટન જેટલો વિશાળ બોક્સાઈટ ખનીજનો જથ્થો અનઅધિકૃત રીતે સંગ્રહ કર્યાનું સામે આવતા તે બોકસાઇટ જથ્થો અને ત્યાં હાજર હિટાચી મશીનને સીઝ કરીને કાયદેસરનો ગુનો કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધવા સહિતની કાર્યવાહી ખાણ ખનીજની ટીમ દ્વારા કરવામાં આવી હતી. અનઅધિકૃત સંગ્રહ કરાયેલ બોક્સાઈટ ખનીજના જથ્થાની કિમંત ૪૪૩૨૫૦૦/- તથા હિટાચી મશીનની આશરે કિમંત ૩૦૦૦૦૦૦/- મળીને કુલ ૭૪૩૨૫૦૦/-ની ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. આ રેઇડ કાર્યવાહીમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી  જી.આર.અરેઠીયા, આર.આર.જાડેજા સર્વેયર, ગૌરવ પરમાર રોયલ્ટી ઇન્સ્પેકટર સહિતના જોડાયા હતા.

ખનીજ માફિયાઓ દ્વારા થતી નીતનવા ફતવા સાથેની ખનીજ ચોરીને ખાણ ખનીજ ટીમ અને આર.આર.સેલ વિભાગ દ્વારા હમણા થોડા સમયથી ઝડપી પાડવા જે મુહિમ ચલાવાઈ રહી છે તે જોતા હાલ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને મોટા મોટા કહેવાતા માથા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા થઇ રહી છે.