જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ નગરપાલિકામાં ઘણા સમયથી સત્તાધીશોની લાલિયાવાડી ચાલ્યા બાદ તાજેતરના ચીફ ઓફિસર મયુર જોષીની નિમણુંકથી નગરપાલિકામાં સત્તાધીશોના એકાધિકાર પર પડદો પડી ગયો હતો.  થોડો સમય તો ચીફ ઓફિસર અને સત્તાધીશોનો વિવાદ એટલી હદે વધી ગયો હતો કે ચીફ ઓફિસર પર હુમલો કરવાની તૈયારી નગરપાલિકા પ્રમુખના પતિ કરી રહ્યા હતાં એનું ઓડિયો રેકોર્ડિંગ પણ વાઇરલ થયું હતું અને ચીફ ઓફિસરને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું.

ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં અગાઉ બનેલા રોડના ભ્રષ્ટાચાર એક પછી એક ચીફ ઓફિસર દ્વારા ખુલ્લા કરવામાં આવી રહ્યાં હતાં. જેમાં નગરપાલિકા ઈજનેર અને ઉપપ્રમુખ સામે એ.સી. બી. તપાસ માટે પણ અહેવાલ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું એ સિવાય ઘણા જુના ઠરાવો રદ કર્યા હતાં. વિવાદ પર કાયમ પડદો ઢાંકવા માટે ચીફ ઓફિસરની હાલ ગાંધીનગર વિભાગમાં બદલી કરાઈ છે પણ જગ્યા હજુ ફાળવાઈ નથી. 

કોરોના મહામારી લોક ડાઉન દરમિયાન ભાણવડના તમામ વિસ્તારમાં સ્વચ્છતા રાખવામાં ખુબ સારી કામગીરી કરી હતી તેમજ સતત પોતે ફિલ્ડમાં સાથે રહીને તમામ વિસ્તારોનું સૅનેટાઇઝ કરાવ્યું હતું. ઘણા સમય બાદ એક એવા ચીફ ઓફિસર આવ્યા હતાં જે અધિકારી તરીકે પોતે સ્વતંત્ર નિર્ણય લેતા હતાં સત્તાધીશોની ગેર વ્યાજબી દખલગિરી ચલાવી લેતા નહી. આવા અધિકારીની આમ અચાનક છેક ગાંધીનગર વિભાગમાં અને કોઈ નિમણુંક પણ નહી આવી કઈ રીતે બદલી કરાઈ તે હાલ ભાણવડના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ નવા આવેલા ચીફ ઓફિસર  જુના ચીતરાયેલ ચીલે જ ચાલશે કે પોતે સ્વતંત્રતાથી નિર્ણય લઈને સ્ટ્રોંગ અધિકારી તરીકેની છાપ ઉભી કરશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.