જામનગર મોર્નિંગ - જામનગર 
જોડિયા તાલુકાના જામસર ગામે આવેલ એક ધાર્મિક જગ્યાને તસ્કરોએ નિશાન બનાવી છે. જેમાં સ્વામીનારાયણ મંદિરમાંથી દાનપેટીની રોકડ સહિતનો 1.10 લાખનો સામાન ચોરી ગયો છે. પોલીસે આ બનાવ અંગે સ્થળ પર પહોચી તપાસ શરુ કરી છે.
મળતી વિગત મુજબ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાનાં જામસર ગામે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં ખાબકેલા તસ્કરો દાનપેટીની રોકડ અને એક કિલો ચાંદીના આભુષણો સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાની સ્થાનિક તાલુકા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લોક ડાઉન અને અનલોક પીરીયડમાં અનેક ધંધાઓને અસર થઇ છે ત્યારે તસ્કરોના ચોરીના ‘ધંધા’ પર પણ અસર થઇ હોય તેમ રહેણાંક મકાનને બદલે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું ચ છે જેમાં જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના જામસર ગામે સ્વામીનારાયણ મંદિરમાં તસ્કરો ખાબક્યા હતા. જેમાં મંદિરના બારણાંના નકુચા તોડી અંદર આવેલ તસ્કરોએ મંદિરમાં રાખેલ દાનપેટીના તાળા-લોક તોડી તેમાં રાખેલ આશરે રોકડા રૂ.20,000 તથા મંદિરમાં રાખેલ બે અલગ-અલગ કબાટમાંથી રોકડા રૂ.50,000 તથા ચાંદીના છતર વીસેક નંગ મળી રૂપિયા ત્રીસ હજાર અને આ જ જગ્યાની બાજુમાં આવેલ સ્ત્રીઓના સ્વામીનારાયણ મંદિરની દાનપેટીનો લોક તોડી તેમાં રાખેલ આશરે રોકડા રૂ.10,000 મળી કુલ રૂ.1,10,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. મંદિરના સેવા પૂજા કરતા વિનોદભાઈ મોહનભાઈ પોરીયાએ આ બનાવ અંગે જોડિયા પોલીસને જાણ કરતા પીએસઆઈ સામાણી સહિતનો સ્ટાફ મંદિરે પહોચ્યો હતો આ બનાવ અંગે સીપીઆઈએ તપાસ હાથ ધરી છે.