તીરછી નજર(કોલમ) - ભરત હુણ

·  જીલ્લાના ચાર તાલુકા , ૬ નગરપાલીકા અને ૨૪૯ ગામડાઓની સાચી સ્થિતિનો ગ્રાઉન્ડ લેવલએ ખ્યાલ નથી ક્યાં વિસ્તારમાં કેટલું નુકશાન છે ક્યાં વિસ્તારમાં કેટલા વૈકલ્પિક રસ્તાઓ કરી શકાય આવી સ્થિતિની માહિતી નથી તંત્ર ત્યાં સુધી બેફીકર છે.


જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૦૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગત શનિવારથી અનરાધાર – મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જીલ્લાના મોટા ભાગના ડેમો ભરાઈ ચુક્યા છે, નદી – નાળા ઝરણા બે કાંઠે વહી રહ્યા છે. અનેક ખેડૂતોના ખેતરો ધોવાયા છે,અનેક ગામો અને શહેરોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને અનેક માલધારીના પશુધન વહેતા પાણીના પ્રવાહમાં તણાયા છે. જીલ્લાના મોટા ભાગના ગ્રામીણ રસ્તાઓ અને ગાડા માર્ગો ધોવાતા ગ્રામીણ વાહન વ્યવહાર ઠપ્પ થઇ રહ્યો છે. જ્યાં રસ્તા હતા ત્યાં વરસાદી પાણીના ઝરણા સ્વરૂપે વહેણ થયા છે. વીજળી પડવાથી જીલ્લામાં ૩થી વધારે માનવ મૃત્યુ અને અનેક પશુધનના મૃત્યુ થયા છે. એકધારા વરસાદને આજે ચોથો દિવસ છે ઘણા વિસ્તારમાં લોકો ઘર બહાર નીકળી શકે એવી સ્થિતિ નથી ત્યારે જીલ્લાનું વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન મંડળ શું કરે છે ? આ સવાલ સ્વાભાવિક છે. એનો પ્રાથમિક જવાબ છે કે તંત્ર તાલુકા મથકે ડિજાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરીને વરસાદી આકડા લખવામાં વ્યસ્ત છે ! તંત્રને જીલ્લાના ચાર તાલુકા , ૬ નગરપાલીકા અને ૨૪૯ ગામડાઓની સાચી સ્થિતિનો ગ્રાઉન્ડ લેવલએ ખ્યાલ નથી ક્યાં વિસ્તારમાં કેટલું નુકશાન છે ક્યાં વિસ્તારમાં કેટલા વૈકલ્પિક રસ્તાઓ કરી શકાય આવી સ્થિતિની માહિતી નથી ત્યાં સુધી બેફીકર છે.

જીલ્લાના ગ્રામ્ય પથકમાં વરસાદી પાણીના નિકાલ વાળી જગ્યાઓમાં ગાડા મારગ અને ગ્રામ્ય રસ્તાઓની સાઇડમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી ઝરણાઓ સુધી લોકોએ દબાણ કરી લીધા છે. એ દબાણ દુર કરવાનો તંત્ર પાસે કોઈ મજબુત પ્લાન છે નહી આજે એ વરસાદી ઝરણાઓ રોડ અને ગાડા માર્ગો પર વહે છે અનેક વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતર બહાર વાહન લઈને કે ચાલીને નીકળી શકે એવી સ્થિતિમાં નથી. વરસાદી બે ઝાપટા આવતા જ વીજળી જતી રહે છે. રોડ રસ્તા અને વીજળી વિના લોકો ઘરમાં પુરાઈને બેસી રહે અને તંત્ર વિકાસની વાતો કરવામાં વ્યસ્ત છે આ કેવું વ્યવસ્થાપન ? છેલ્લી વાત રસ્તાઓની સાઇડમાં આવેલા વરસાદી ઝરણા અને સરકારી પડતર જમીનો જ્યાં વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે આવી જગ્યાઓ તાકીદે ખુલ્લી કરાવવામાં નહી આવે તો આવનારા સમયમાં ગંભીર પરિણામો અને અકસ્માતોનો સામનો કરવો પડશે તંત્રએ નહી પ્રજાએ !