તસ્વીર - ભૂપતભા માણેક

જામનગર મોર્નિંગ - દ્વારકા : ઓખા નગરપાલિકા વોર્ડ નંબર -9ના વિસ્તારમાં આવતા દેવપરા ગામના નગરજનોએ ઓખા પી. જી. વી. સી. એલ. પેટા વિભાગીય કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું,  આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેવપરા ગામમાં વીતેલા એક વર્ષથી વીજળી અંગેનો ગંભીર પ્રશ્ન છે વીજળી અવાર નવાર જતી રહે છે જે સમયસર રીપેર કે મેઇન્ટેન થતી નથી અવાર નવાર વીજળી જવાથી વીજ અકસ્માત સર્જાતા અનેક વખત ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જાય છે. દેવપરા ગામ શહેરી વિસ્તાર નગરપાલિકામાં આવતું હોય વીજ જોડાણ પણ શહેરી વિસ્તાર મુજબનું  આપવામાં આવે છે જયારે વીજ પુરવઠો હમુસર ગ્રામ્ય ફીડરમાંથી આપવામાં આવે છે હમુસર ગ્રામ્ય ફીડર મોટા વિસ્તાર સુધી જતું હોય એટલે અવાર નવાર ફોલ્ટ થતા હોય અને ચોમાસા દરમ્યાન લાંબા સમય સુધી ફીડર બંધ રહે છે. ત્યારે દેવપરા ગામના લોકોની માંગણી છે કે તેમને સુરજકરાડી ફીડરથી વીજ પુરવઠો આપવામાં આવે અગાઉ પણ સૂરજકરાડી ફીડરમાંથી વીજ પુરવઠો અપાતો હતો. જયારે સૂરજકરાડી ફીડરથી વીજ પુરવઠો અપાતો ત્યારે વીજ પુરવઠો ખુબ ઓછી વખત બંધ રહેતો. દેવપરા ગામમાં આવેલા જર્જરિત પોલ અને જર્જરિત વીજ વાયર બદલીને નવા નાખવામાં આવે જેથી અકસ્માત સામે બચાવ કરી શકાય તેવી પણ માંગ કરાઈ છે. નગરજનોએ આવેદન આપીને જણાવ્યું કે સમયસર માંગણીનો સ્વીકાર કરીને નિકાલ કરવામાં નહીં આવે તો દેવપરા ગામના નગરજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.