મોખાણા ગામને તાલુકા મથક સાથે જોડતો રાણીવાવ થી મોખાણા જતો મુખ્ય માર્ગ

જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ તાલુકા અને બરડા પંથકમાં ગત શનિવારથી મંગળવાર સુધીમાં પડેલા અતિભારે 28 ઇંચ જેટલાં વરસાદના પગલે બરડા ડુંગરના તળાવો અને ઝરણાઓ છલી વળ્યાં છે. બરડાની રાવણા ઝરથી ઓળખાતા ઝરણાંનો પ્રવાહ અધવચ્ચેથી તૂટીને મોખાણા ગામની ખાણમાં પ્રવેશ્યો અને ત્યાંથી તે પ્રવાહ રાણીવાવનેશ થી મોખાણા જતા મોખાણા ગામને તાલુકા મથક સાથે જોડતા મુખ્ય માર્ગ પર નદી સ્વરૂપે વહી રહ્યો છે. આ રોડ પરથી મોખાણા ગામ સહીત આજુબાજુના ગામના અનેક લોકોને તાલુકા મથક ભાણવડ જવા માટે આ રોડ પરથી પસાર થવું પડે છે. રાણીવાવનેશ થી મોખાણા જતા આ રોડમાં રાણીવાવથી મોખાણા બાજુ 100 -200 મીટર જેટલી લંબાઈમાં આખા રોડ પર પાણીનો ખુબ મોટા પ્રમાણમાં પ્રવાહ નદી - ઝરણાં સ્વરૂપે વહી રહ્યો છે જો આ પ્રવાહને બાજુમાં આવેલા વોંકળામાં ડાયવર્ટ કરવામાં આવે તો રોડ પરથી સંપૂર્ણ પ્રવાહ હટી જાય હાલની સ્થિતિ જોતા આ પ્રવાહ છેક દિવાળી સુધી ચાલુ રહે તેમ હોય જો આ પ્રવાહને ડાયવર્ટ કરવામાં ના આવે તો મોખાણા અને આજુબાજુના ગામના લોકો રોજબરોજની ખરીદી કરવા, દૂધ દેવા જતા માલધારીઓ, વાહન ચાલકોને તાલુકા મથકે જવા રોડ પરથી પસાર થવામાં દિવાળી સુધી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. 

આ રોડ પરના પાણીના પ્રવાહને તાકીદે વહેલી તકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ટ કરવામાં આવે તેવી મોખાણા ગામના સરપંચ અને સૌ ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે.