જામનગ મોર્નિંગ - ખંભાળીયા : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના સંક્રમણને પગલે સરકારશ્રીની સુચના મુજબ દરેક લોકોએ ઘરની બહાર નીકળતી વખતે મોઢા પર માસ્ક પહેરવું અથવા તો મોઢું અને નાક ઢંકાયેલ રહે તે રીતે મોઢા પર કોઈ કપડું બાંધવું ફરજીયાત છે. જયારે બહાર નીકળતી વખતે લોકોએ મોઢા પર માસ્ક બાંધેલ ના હોય ત્યારે સરકારશ્રીની સુચના મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં અગાઉ શહેરી વિસ્તારમાં પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત દ્વારા માસ્ક અંગેનો દંડ વસુલવામાં આવતો હતો જે બાદ તે સત્તા પોલીસ વિભાગને અપાયેલ છે.

ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીતેલા દોઢેક મહિનાથી પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં લોકો જયારે માસ્ક પહેરીને ના નીકળે ત્યારે તેમના પર દંડનીય કાર્યવાહી કરીને માસ્ક ના પહેરનાર પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૂપિયા ૨૦૦ દંડ પેટે વસુલ કરવામાં આવે છે. જેમાં ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૨૫૪૪ જેટલા લોકોને માસ્ક ના પહેરવા અંગેનો દંડ ફટકારેલ છે. જે દંડની કુલ રકમ રૂપિયા ૫૦૮૮૦૦ /(પાંચ લાખ આઠ હજાર આઠસો)- થાય છે. આ અંગે વાત કરતા ખંભાળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આર.ગઢવીએ જણાવ્યું હતું કે લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેરી રાખે અને તેઓ પોતાના જ આરોગ્યની કાળજી રાખે તે જરૂરી છે અમે ઇચ્છતા નથી કે લોકોને દંડ કરીએ પણ લોકો સમજતા નથી અને નિયમોનો ભંગ કરે છે ત્યારે અમારે દંડનીય કાર્યવાહી કરવી પડે છે.લોકોમાં જાગૃતતા આવે અને બહાર નીકળતી વખતે મોઢા પર રૂમાલ ,કપડું અથવા માસ્ક પહેરે તે જરૂરી છે તેમનાજ સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે.