પ્રાથમિક તપાસમાં રમતા રમતા ફાંસો ખાઈ લીધા નું  અનુમાન: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામગનર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પ્રગતી પાર્ક શ્લોક બિલ્ડીંગમાં રહેતા એક નેપાળી પરિવારની બાર વર્ષની બાળાનું ગળાફાંસાથી મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે જાણવા પોલીસ મથામણ કરી રહી છે, રમતા રમતા ગળાફાંસો ખાધો હોવાનું પરિવારજનો દ્વારા જાહેર કરાયું છે.
મળતી વિગત મુજબ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પ્રગતી પાર્કમાં રહેતી પૂજા કમલભાઈ સોની (ઉવ ૧૨) નામની બાળાનો મૃતદેહ તેના જ રૂમમાં લોખંડના સળિયા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ૧૦૮ની ટીમને જાણ કરવામાં આવ્યા બાદ સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી મૃતદેહ કબ્જે કર્યો હતો. 
માત્ર બાર વર્ષની બાળાના શંકાસ્પદ મૃત્યુને લઈને સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બાળાએ રમતા રમતા ગળાફાંસો ખાઇ લીધો હોવાનું પરિવારજનો દ્વારા જાહેર કરાયું હતું. મૃતક ની બે નાની બહેનો જે સાથે રમતી હતી, તેઓએ આ પ્રકારની જાણ કરી હતી.
છેલ્લા સાત વરસથી નેપાળી પરિવાર અહી જામનગરમાં વસવાટ કરી રહ્યો છે, અને ચોકીદારી કરતા કમલભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ હોવાનું અને સૌથી મોટી પુત્રીએ ગળાફાંસો ખાઈ લીધાનું જાહેર કરાયું હતું. સિટી સી ડિવિઝન પોલીસે મૃતકનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.