જામનગર મોર્નિંગ - ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના લાખો કિસાનો ના વ્યાપક હિત માં મુખ્યમંત્રી કિસાન યોજના ની જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુ ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી એ આ યોજના ની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે.
 આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ  જેમાં રાજ્યના બધાજ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને  આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો  છે. 
મુખ્યમંત્રીશ્રી એ સ્પષ્ટ પણે જણાવ્યું કે આ યોજના નો લાભ રાજ્ય ના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતો ને આવરી લેવાયા છે
એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ યોજના સરળ અને પારદર્શી છે તેની ભૂમિકા  મુખ્યમંત્રીશ્રી એ આપી હતી
તેમણે જણાવ્યું કે  એસ.ડી આર એફ ના લાભો યથાવત રાખી ને આ મુખ્યમંત્રી કિસાન  સહાય યોજના ના લાભ અપાશે
મુખ્યમંત્રીશ્રીએ આ યોજના ની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતા જણાવ્યું કે
યોજના હેઠળના જોખમો 
1. અનાવૃષ્ટિ (દુષ્કાળ) 
2. અતિવૃષ્ટિ અને 
3. કમોસમી વરસાદ (માવઠું)
જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે.
આ ત્રણેય જોખમો સામે સહાય ના ધોરણો અને અન્ય વિગતો તેમણે આપી તે અનુસાર
(૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ)
જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે.

૨. અતિવૃષ્ટિ :
તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

(૩) કમોસમી વરસાદ (માવઠું)
૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે

યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા  અંગે ની જાણકારી આપતા શ્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે
• સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે
• ખરીફ ૨૦૨૦ થી યોજના અમલમાં મુકાશે
• આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે

યોજના ના સહાયના ધોરણો અંગે મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે
• ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે
• ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે
 આ યોજના ની અન્યઅગત્યની જોગવાઈઓ  વિશે તેમણે કહ્યું કે
• આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
• ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.
• લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
• મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.  
• લાભાર્થી ખેડુતોનાં પ્રશ્નો નાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.   
• ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દિઠ રૂ.૮/- નું મહેનતાણું  ચુકવાશે. 
• ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે

 શ્રી વિજય ભાઈ રૂપાણી એ આ યોજના અન્વયે પાક નુકસાન અંતર્ગત ગામો/તાલુકા/વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયા ની જે માહિતી આપી તે મુજબ
• અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું) ના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે
• ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે. 
• રાજ્ય સરકારની (મહેસુલ વિભાગ) દરખાસ્ત મળ્યાના દિન ૭ માં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર/ગામ/તાલુકાની યાદી મંજૂરીના હુકમો કરશે.
પાક નુકશાનનાં સર્વેની કામગીરી અંગે તેમણે જણાવ્યું કે
• રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે દિન-૧૫ માં કરાવશે
• સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહી વાળા હુકમથી જાહેર કરશે  
• આ યાદી ૩૩% થી ૬૦% અને ૬૦%થી વધુ નુકસાન એમ બે યાદી જાહેર થશે એમ તેમણે ઉમેર્યું હતું.