અતિભારે વરસાદથી અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે !

ગામમાં હોડીથી લોકો અવર - જવર કરી રહ્યા છે.


  • કાચથી મઢાયેલ સુરક્ષિત કચેરીમાં બેસીને વરસાદી આકડા લખવાથી લોકોની મુશ્કેલી દૂર નહી થાય.
તીરછી નજર (કોલમ) - ભરત હુણ 

હોડીઓ, ઝરણાઓ અને ધસમસતો પાણીનો પ્રવાહ હા આ દરિયો નથી પણ દેવભૂમિ દ્વારકા છે. દેવભૂમિ દ્વારકાના ગામોમાં અંદર હોડીઓ ચાલે છે, ગામના કોઈ લોકો બે - બે દિવસ ફસાઈને ઝરણાઓ કાંઠે બેઠા છે. આ તારાજીમાં તંત્રની મદદ માટે ભૂમિકા શું આ સવાલ જીલ્લાના સમાહર્તાઓ, રાજ્ય સેવકોની સાથે પદાધિકારીઓને પણ છે !

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાલુ વર્ષે અનરાધાર - મુશળધાર - બેફામ વરસાદ પડ્યો અને હજી ચાલુ છે. 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ અઢીસો ટકા જેટલો વરસાદ પડ્યો છે. જીલ્લાના તમામ તો નહી પણ મોટા ભાગના ગામોમાં ચોમેર પાણી છે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે સંપૂર્ણ પાકા અને મજબૂત મકાનોને બાદ કરતા લોકોના મકાનમાં પાણી ટપકી રહ્યા છે.ઘર બહાર પગ મૂકે તો જાણે નદી વહી રહી છે. ઘરના ફળીયા અને શેરીઓ તો સાઈડમાં રહ્યું પણ હવે રસોઈ રાંધવાના ચુલાઓમાંથી પાણી ફૂટે છે. આવી સ્થિતિમાં લોકો શું કરે કેમ રહે? આ તંત્રની ભૂલ નથી કુદરતી પ્રકોપ છે પણ હવે શું બચાવવાં અને મદદ માટે તંત્રની ભૂમિકા શું હોવી જોઈએ?  તંત્ર અત્યારે તો કંટ્રોલ રૂમની કાચની ઓફિસોમાં સંપૂર્ણ સુરક્ષિત બેસીને વરસાદી આંકડા લખી રહ્યું છે !

ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

બરડા પંથકના ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ દિવસમાં બે વખત વરસાદી પૂર આવે છે.રોડ રસ્તા જ નહી હવે માણસોના ઘર તણાવામાં વાર નથી. ઓવરફ્લો થયેલા ડેમના પાણી ક્યાય સમાઈ શકે એવી સ્થિતિ નથી સિંચાઈ વિભાગ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પાણીના નિકાસ માટે કોઈ એક્શન પ્લાન તાકીદે બનાવતું હોય તેવું ધ્યાન ઉપર નથી આવ્યું. 
બાઈક સવાર પુરમાં તણાતા ગામ લોકોએ મળીને બચાવ્યો.

આ તારાજીમાં અનેક પશુધન તણાઈ ચૂક્યું છે. ખેતીપાકને સાઈડમાં મુકો, માણસો મરી ગયા છે ત્યારે તંત્રના મોબાઈલો બંધ છે આ કેવું વહીવટી તંત્ર છે ! લોકો માટે, લોકસેવાર્થે કામ કરવા માટે જ વહીવટી તંત્રની રચના કરવામાં આવી છે, અહમ અને અધિકારીશાહી માટે નહીં આ વાત યાદ રાખવી જોઈએ. અત્યારે તંત્રને ઘર, કાર અને કચેરીઓ બહાર નીકળવાની જરૂર છે.દરેક ગામના સરપંચ તલાટી સાથે સંપર્કમાં રહી સ્થિતિ જાણી બની શકે એટલા ઓછા નુકશાન થાય તે દિશામાં કામ કરવાની જરૂર છે. કપરી પરિસ્થિતિમાં લોકોને તંત્રની હૂંફની જરૂરિયાત છે !