જુનાગઢ રહેતી એક યુવતી દ્વારા તેણીની માતાની મદદથી તથા કથિત દલાલ એવા એક શખ્સને સાથે રાખીને લગ્ન કરવા ઈચ્છતા યુવાનો પાસેથી પૈસા લઈને લગ્ન સંસાર ન નિભાવી, છેતરપિંડી કરવા સબબના ગુનામાં જુનાગઢ રહેતી પરણિત અને એક પુત્રની માતા એવી યુવતી, તેની માતા તથા જામજોધપુર તાલુકાના એક દલાલ એવા શખ્સોને ભાણવડ પોલીસે દબોચી લીધા છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ જૂનાગઢ ખાતે રહેતી અને સાત વર્ષીય એક પુત્રની માતા એવી સંગીતા નામની યુવતી દ્વારા તેણીની માતા નર્મદાબેન ઉર્ફે નિમુબેન ઉપરાંત જામજોધપુર તાલુકાના ગોપ ગામના ઈશાભાઈ નામના એક શખ્સ દ્વારા વેરાવળ ખાતે રહેતા પરેશભાઈ ધીરુભાઈ પરમાર નામના યુવાન પાસેથી રૂપિયા બે લાખ લઈ અને સંગીતાના લગ્ન કરાવ્યા બાદ સંગીતા દ્વારા લગ્ન જીવન ન નિભાવી, છૂટાછેડા લીધા વગર ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામના રહીશ કમલેશભાઈ ગોવાભાઈ સોલંકી સાથે લગ્ન સંસાર માંડવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસમાં પરેશભાઈ પરમાર તથા કમલેશભાઈ સોલંકી દ્વારા સંગીતા, નર્મદાબેન ઉર્ફે નીમુબેન તથા ઈશાભાઈ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બન્ને પોલીસ ફરિયાદ બાદ ભાણવડના પી.એસ.આઈ. એચ. આર. હેરભા તથા સ્ટાફ દ્વારા જૂનાગઢની રહીશ સંગીતાબેન શામજીભાઈ હીરાભાઈ સોલંકી, તેણીની માતા નર્મદાબેન ઉર્ફે નિમુબેન શામજીભાઈ સોલંકી, ઉપરાંત જામજોધપુર તાલુકાના ગોપ ગામના રહીશ ઈશાભાઈ ઉર્ફે બુટી ગુલમામદભાઈ મુસાભાઈ ઘુઘા નામના ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ આશરે 29 વર્ષની સંગીતા દ્વારા તેણીની માતાની મદદથી લગ્ન ન થતા હોય તેવા ગોંડલ, સુરત સહિતના અનેક ગામોમાં યુવાનો પાસેથી આ જ રીતે રૂપિયા ખંખેરીને વિશ્વાસઘાત કર્યો હોવાનું પણ જાણવા મળેલ છે.  આ સંદર્ભે ભાણવડ પોલીસે ઉપરોક્ત ત્રણેયની ધરપકડ કરી અદાલતમાં રજુ કરતાં, નામદાર અદાલતે તેઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
     આ વચ્ચે ભાણવડ પોલીસ દ્વારા એક યાદી મુજબ આ ટોળકીનો ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા સામે આવી, ભાણવડ પોલીસનો સંપર્ક કરી, ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેમ પણ એક યાદીમાં જણાવાયું છે.