તસ્વીર - ભુપતભા માણેક, મીઠાપુર 

જામનગર મોર્નિંગ - મીઠાપુર : દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં રાષ્ટ્રીય લેવલની તાતા કેમિકલ કંપની કાર્યરત છે જેના હિસાબે અહીં બહોળા પ્રમાણમાં ટ્રકો આવેલા છે. મોટી સંખ્યામાં મીઠાપુર અને આજુબાજુના ગામડાઓના લોકો ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છે. તાજેતરમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે 4-5 મહિના લોકડાઉન અને ત્યારબાદ હાલ પણ ટ્રાન્સપોર્ટના ધંધામાં મંદીનો માહોલ છે. સામે ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. પણ ભાડામાં કોઈ વધારા કરવામાં આવ્યા નથી એવુ ટ્રક ચાલકો અને માલિકોએ જણાવ્યું હતું. 

ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે, નવા બનેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મીઠાપુર થી પોરબંદર સુધીના રસ્તામાં ત્રણ જેટલાં ટોલટેક્સ નિર્માણ પામી રહ્યા છે તેમાંથી સ્થાનિક ટ્રકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને ટ્રક ધંધાર્થીઓ માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવે જેવી વિવિધ માંગણીઓ સાથે મીઠાપુર ટ્રક ટ્રાન્સપોર્ટ મંડળે પોતાની માંગણી મુખ્યમંત્રી સમક્ષ પહોંચાડવા માટે મામલતદારને આવેદન પાઠવ્યું હતું.