જામનગર મોર્નિંગ - ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે ભારે ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અગાઉથી તરબોતર રહેલા જળસ્ત્રોતો ભારે પાણીથી છલકાઈ રહ્યા છે. આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શુક્રવારે સવારે લાલપરડા ગામના નગાભાઇ રણમલભાઈ ચુડાસમા નામના યુવાનનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજ્યા બાદ બપોરે ખંભાળિયા- સલાયા માર્ગ પર આવેલા કોઠાવિસોત્રી ગામે અતિભારે વરસાદના કારણે આ વિસ્તારની નદી બે કાંઠે વહેવા લાગી હતી. આ વચ્ચે ગઈકાલે બપોરે આશરે બારેક વાગે ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામે રહેતી જયશ્રીબેન અરશીભાઈ ગોજીયા નામની આશરે વીસેક વર્ષની એક યુવતી તેણીના ભાઈ- બહેનો સાથે વાડીએથી ઘરે આવવા માટે નીકળી હતી.
તેમના માર્ગમાં આવતી એક નદી પાણીના ધસમસતા પ્રવાહના કારણે ભારે પુર રૂપે વહી રહી હતી. ત્યાં અકસ્માતે જયશ્રીબેનનો પગ લપસતા તેણે પાણીમાં ગરક થઈ ગઈ હતી. જાણવા મળતી વિગત મુજબ જયશ્રીબેનને તરતા પણ આવડતું હતું પરંતુ. પાણીના ધસમસતા પ્રવાહમાં તેણી લાપતા બની હતી. તેણીની ભાળ મેળવવા માટે ખંભાળિયા નગરપાલિકાના ફાયર ફાઈટર સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત પછી પણ તેનો પત્તો ન લાગતા જિલ્લા કલેકટરની સુચના મુજબ દ્વારકાથી બોટ સાથે ખાસ એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી અને મોડે સુધી રેસ્ક્યુ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આટલું જ નહી, આ નદી વિસ્તારના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારોમાં ઝાડી ઝાંખરા વિગેરે જગ્યાએ ટીમ દ્વારા સધન શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ જયશ્રીબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવે પરિવારજનો સાથે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.