કોઈ અજ્ઞાત સ્ત્રીએ ઘરમાં આવી વૃદ્ધા ને માર મારી સોનાની બંગડી ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાની ફરિયાદ થી ચકચાર: સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ના આધારે લુંટારુ મહિલાની શોધખોળ
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી માં ગઈકાલે ધોળેદહાડ઼ે લૂંટની ઘટના બની હતી. ઘરમાં હાજર રહેલા એક વૃદ્ધ મહિલાને કોઈ અજ્ઞાત સ્ત્રીએ આવી માથામાં લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા ગ્રસ્ત બનાવી દીધા હતા, અને હાથમાં પહેરેલી સોનાની બંગડી ની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. આ લૂંટ અને હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જયારે સીટી-સી ડિવિઝન પોલીસે અજ્ઞાત મહિલા સામે હુમલા અને લૂંટ અંગેનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી શેરી નંબર -૪ માં રહેતા રિયાજભાઈ મહેંદીમામદ નામના ખોજા વેપારીએ પોતાના રહેણાંક મકાનમાં ગઈકાલે સાંજે સવા છ વાગ્યાના અરસામાં ૩૫ થી ૪૦ વર્ષની કોઈ અજ્ઞાત સ્ત્રીએ આવી પોતાના વૃદ્ધ માતા ગુલાબબેન ને માથામાં લાકડાનો ધોકો ફટકારી હાથમાં પહેરેલી સોનાની બંગડી ની લૂંટ ચલાવી પલાયન થઇ ગયાની ફરિયાદ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી રિયાઝ ભાઈ કે જેમના વૃદ્ધ માતા ગુલાબબેન (ઉંમર ૭૦) પોતાના ઘેર એકલા હતા જે દરમિયાન ૩૫થી ૪૦ વર્ષની સાડી પહેરેલી એક મહિલા ઘરમાં ઘૂસી આવી હતી, અને ગુલાબબેન ના માથા પર વાંસાના ભાગે અને કાન પાસે લાકડાના ધોકા વડે માર મારી ઈજા ગ્રસ્ત બનાવી દીધા હતા. જેથી ગુલાબબેન લોહીલુહાણ થઇ ને પડી ગયા હતા.
દરમિયાન અજ્ઞાત સ્ત્રીએ તેમના હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓ કાઢી લઇ લૂંટ ચલાવી ભાગી છૂટી હતી ઉપરોક્ત બનાવ પછી રિયાઝભાઈ અને તેના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા, અને ગુલાબબેન ને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સૌપ્રથમ જામનગરની જી.જી.હોસ્પિટલમાં અને ત્યાર પછી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે. જેમને માથામાં ગંભીર થઈ છે.
આ બનાવ અંગે સિટી સી. ડિવિઝન પોલીસને જાણ થઈ હોવાથી ભારે દોડધામ થઇ હતી. સીટી-સી ડિવિઝન નો પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ના આધારે અજ્ઞાત સ્ત્રી નું વર્ણન મેળવી તેને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. નિલકમલ સોસાયટી જેવા વિસ્તારમાં ધોળે દા'ડે લૂંટની ઘટનાથી ભારે ચકચાર જાગી છે. લૂંટ કરનાર મહિલા પગપાળા ચાલીને આવી હોવાનું અનુમાન લગાવાયું છે.