ભાણવડ નગરપાલિકાના મોઢા સામેથી પસાર થતો ધૂળીયો બાયપાસ રોડ !

  • દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાયે માળખાગત સુવિધા પૂરી પાડવામાં પાલિકા વામણું

  • વાહન પસાર થતી વેળાએ ધૂળની ડમરીઓ ચડે છે, બાઈક ચાલકને પસાર થવામાં ભારે હાલાકી, તંત્રએ સ્થિતિ સમજવી જરૂરી !
તીરછી નજર (કોલમ) - ભરત હુણ
ભાણવડ ગામનો મુખ્ય એકમાત્ર બાયપાસ રોડ સદંતર ખરાબ હાલતમાં ખાડાખડબા વાળો બન્યો છે. આ રોડમાંથી પસાર થવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાણવડ નગરપાલિકા કચેરીના દરવાજા પાસેથી શરુ થતો આ રોડ છેક જકાતનાકા સુધી તુટી-ફૂટી ગયો છે. જયારે રસ્તાઓમાં મોટા ખાડા પડી જાય ત્યારે નગરપાલિકા દ્વારા માટી/મોરમ કે કપચી પાથરીને કામ ચલાવી લેવાઈ છે. દર વખતે પાથરવામાં આવતી માટી / મોરમથી રોડમાં વાહન પસાર થતી વેળાએ ધૂળની ડમરીઓ ચડે છે. જયારે ટ્રક બસ જેવા ભારે વાહનો પસાર થતા હોય ત્યારે એટલી ધૂળની ડમરીઓ ચડે છે કે પાછળ બાઈક સવારને વાહન ચલાવવું મુશ્કેલ થઇ પડે છે આવી પરિસ્થિતિ ૨-૩ વર્ષથી હોવા છતાયે નગરપાલિકા દ્વારા હજુ સુધી રોડનું નવીનીકરણ કરવામાં આવતું નથી. ભાણવડ નગરપાલિકામાં વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે છતાયે પાયાની આંતરમાળખાગત સુવિધા આપવામાં પાલિકા વામળી સાબિત થઇ રહી છે.