•      જામનગર પોલીસની બેદરકારીઓ સામે રાજકોટ રેંજ        આઈ.જી.આકરે પાણીએ.

• રાજકોટ રેન્જ આઈ.જી.દ્વારા જામનગર એલ.સી.બી.પી.એસ.આઈ.ને સસ્પેન્ડ કરી આ અંગેની ઊંડી તપાસ કરવા જામનગર જીલ્લા પોલીસવડાને આદેશ.


જામનગર મોર્નિંગ - જામનગર : તાજેતરમાં જ કાલાવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈની પત્ની દ્વારા મુદામાલના વાહનમાં ફરતા જોવા મળતા જીલ્લા પોલીસ વડાએ પીએસઆઈને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડ્યો હતો. ત્યારે જામનગ એલસીબી પોલીસ દફતરનો આવો જ એક વિવાદસ્પદ વિડીઓ વાયરલ થયો છે. જેમાં ગંભીર ગુનાના આરોપીઓને પોલીસે લોકઅપમાં રાખવાને બદલે સુખ સુવિધા પુરી પાડીને આરોપીઓ એસોઆરામ કરતા નજરે પડ્યા છે. આ વખતે એસ.પી.ની માનીતી બ્રાંચની મીઠી નજરની બેદરકારી સામે આવી છે. એલસીબી દફતરનો આ વિડીઓ વાયરલ થયો છે. જેને લઈને ઉકળી ઉઠેલા રાજકોટ રેંજ આઈજીએ તાત્કાલિક અસરથી એલ.સી.બી. પી.એસ.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા છે.  


જામનગર પોલીસ પર ઘાત ચાલી રહી છે પણ આ ઘાત જાણી જોઇને ઉભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસની બેદરકારી ઓછીને મીઠી નજર વધારે હોય એવું લાગી રહ્યું છે. આ વખતે એલસીબી પોલીસ શાખા જ વિવાદનું કારણ બની છે. તાજેતરમાં રેંજ પોલીસ સાથે મળી એલસીબીએ સાડા છ માસ પૂર્વે ધ્રોલમાં થયેલ હત્યા  પ્રકરણના અંતિમ બે આરોપીઓને પકડી પાડ્યા હતા. જામનગર એલસીબીની ટીમે ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ જાડેજા નામના બંને આરોપીઓને રિમાન્ડ પર લીધા છે. પ્રથમ દિવસથી જ આરોપીઓને લોક અપમાં નહિ પણ બહાર રાખવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ આક્ષેપ વચ્ચે આજે એલસીબી દફતરનો વિડીઓ વાયરલ થયો છે. જેમાં રાતનો સમય છે. બંને આરોપીઓ લોકઅપને બદલે દફતરના એસી રૂમમાં આરામથી નીચે ઓશિકાવાળી પથારીમાં આરામથી સુતેલા નજરે પડી રહ્યા છે. ગંભીર ગુનાના આરોપીઓ હાલ રિમાન્ડ પર છે ત્યારે કેવી રિમાન્ડ ચાલી રહી છે એ દર્શાવતો વિડીઓ સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે. હાલ એલસીબીનો સ્ટાફ આ મુદ્દે કઈ પણ બોલવા માંગતો નથી.


જો વિડીઓ વાસ્તવિક હોય તો એક વાત નિશ્ચિત છે કે પોલીસ તંત્રમાં કેવું લોલમલોલ ચાલે છે. મોટા ગજાના આરોપીઓને કેવી સવલતો આપવામાં આવે છે. તેનો તાગ મળી રહ્યો છે. મુદામાલની ગાડીના ઉપયોગ કરતા પણ આ બાબત ચોક્કસથી ગંભીર છે એ વાત ચોક્કસ છે. આ જ ગંભીરતાને ધ્યાને રાખી રેંજ આઈજી સંદીપસિંધે તાત્કાલિક અસરથી એલસીબીના પીએસઆઈ કે કે ગોહિલને સસ્પેન્ડ કરી દીધા છે. જયારે અન્ય પોલીસ સ્ટાફ સામે પણ લટકતી તલવાર છે.  આઈજીના કડક પગલાને લઈને એલસીબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમુક પોલીસકર્મીઓ ગાંધીનગર સુધીની પહોચ ધરાવતા હોવાથી ઉંચો જેક લગાવવાનો પ્રયાસ કર્યો છે. રેંજ આઈજીએ જીલ્લા પોલીસવડાને તાત્કાલિક આ પ્રકરણની ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે.