જામનગર મોર્નિંગ - મીઠાપુર : સરકારી અન્ન નાગરિક પુરવઠા અંતર્ગત ચાલતી પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર નામની ગામડે - ગામડે સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં મળતો અનાજનો જથ્થો ખુબજ નબળી ગુણવતાનો આવતો હોવાની લોકોની અવાર - નવાર ફરિયાદો ઉઠવા પામતી હોય છે. બજાર ભાવની સરખામણીએ આ જથ્થો સરકાર તગડી કિંમતે ખરીદીને નાગરિકોને તદ્દન વ્યાજબી ભાવે અનાજનો જથ્થો આપે છે જેથી જરૂરિયાત મંદ પરિવારો સસ્તા અને વ્યાજબી ભાવે અનાજ ખરીદી શકે. સરકારે તગડી કિંમતે ખરીદેલ જથ્થાની ગુણવતા જોવાનું અધિકારીઓ અને દુકાન સંચાલક કેમ વિસરી જતા હોય છે તે સવાલ કાયમી થાય છે. 

દ્વારકા તાલુકાના આરંભડા ગામે તાજેતરમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનેથી રેશન કાર્ડ અંતર્ગત મળતા અનાજના જથ્થામાં ચણા તદ્દન ગુણવતા વિહીન સડેલા અને જીવાત પડેલા અપાઈ રહ્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન આવા સડેલા અનાજના જથ્થાથી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થઇ રહ્યો હોય ત્યારે દુકાન સંચાલક, અનાજનો જથ્થો પૂરો પાડનાર એજન્સી, તંત્ર વિરૂધ્ધ પગલાં લેવા જરૂરી છે.