જામનગર મોર્નિંગ - જામનગર : તા.18, ગુજરાતમાં બે ત્રણ દિવસથી કુદરતી કહેરના કારણે માવઠાનો માર ખેડૂતોએ ભોગવવો પડી રહ્યો છે. અત્યારે ખેડૂતોના પાકની લણણી - કાપણી અને પાક ભેગો કરવાનો સમય છે ત્યારે કુદરતી આફતરૂપ માવઠાએ અનેક વિસ્તારના ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોચાડ્યું છે. 


ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત જ્યાં 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો તેવા વિસ્તારને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય જે મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં 6 અને 7 જુલાઈએ 48 કલાકમાં 28.5 ઇંચ જેટલો અતિભારે વરસાદ થયો હતો તેમ છતાં આ વિસ્તારને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અન્વયે નુકશાનીનો લાભ મળ્યો નથી.

તેવી જ રીતે 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર દરમિયાન કોઈ ગામ તાલુકા કે જીલ્લામાં 2 ઇંચથી વધારે વરસાદ પડે તો તેને માવઠું ગણી મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાનો લાભ આપવા જણાવાયું હતું ત્યારે છેલ્લા બે ત્રણ દિવસમાં કચ્છના કેટલાક તાલુકા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના ગામોમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ લાભ આપવા માટે કિશાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલ આંબલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે.