જામનગર - દ્વારકા નેશનલ હાઇવે બન્યો ધુળ્યો મારગ !

 


  • દિવસમાં એકાદ વખત રોડ પર પાણીનો આછો છટકાવ કરવામાં આવે તો ધૂળની ડમરીઓમાં રાહત મળી શકે.
  • ધૂળની ડમરીઓ એટલી બધી થાય છે કે ક્યારેક ૧૦૦ મીટર આગળનું દ્રશ્ય પણ જોઈ શકાતું નથી ધૂળના ગોટે - ગોટામાં અકસ્માતોનું પ્રમાણ પણ વધી જાય છે. 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨ : જામનગર થી દ્વારકા નેશનલ હાઇવેમાં રિલાયન્સ નજીક જાખરના પાટીયાથી દ્વારકા - સોમનાથ રોડને જોડતા કુરંગા ચોકડી સુધી આ રોડનું નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નવીનીકરણ કરાઈ રહ્યું છે. આ રોડ અગાઉ સ્ટેટ હાઇવે ઓથોરીટી હસ્તકનો હતો જે તાજેતરમાં નેશનલ હાઇવે ઓથોરીટીને સુપરત કરાતા કુરંગા ચોકડી થી જાખરના પાટીયા સુધીના રોડનું નવીનીકરણ કરાઈ રહ્યું છે. 

આ રોડ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલની કંપનીઓ રિલાઈન્સ,એસ્સાર,ન્યારા,તાતા કેમિકલ, ઘડી ડીટરઝન તેમજ જગત મંદિર દ્વારકા જેવા અનેક ધાર્મિક સ્થળો આવેલ હોય આ રોડ પરથી દરરોજ હજારોની સંખ્યામાં મોટા ટ્રાન્સપોર્ટ વાહનો,પ્રવાસીઓના વાહનો સહીત અહીના જિલ્લાઓના સ્થાનિક લોકો પસાર થઇ રહ્યા હોય છે.

ત્યારે આ રોડની કામગીરી હજી લાંબો સમય સુધી ચાલે એમ છે પરંતુ હાલમાં આ રોડમાં ધૂળની ડમરીઓ ચડી રહી છે. સૌથી વધુ અઘરું નાની ફોરવ્હીલ અને મોટર સાઈકલ ચાલકને થાય છે. રોડમાં ઠેર - ઠેર ગાબડાઓથી વાહન હાલક - ડોલક બની જાય છે. વાહન પસાર થતી વેળાએ ધૂળ ડસ્ટના ઢગલાઓના ગોટે - ગોટા ચડે છે. પાછળ આવતા વાહન ચાલકોને કયારેક તો ૧૦૦ મીટર આગળ પણ શું જઈ રહ્યું છે કે આવી રહ્યું છે તે નક્કી થઇ શકતું નથી પરિણામે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે.

આ રોડના નવીનીકરણ અને રીપેરીંગની કામગીરી દરમિયાન જે જગ્યાઓ પર વધુ ખાડા છે તેમાં મોરમ માટીની ભરતી અને જ્યાં વધુ ધૂળ ઉડે છે ત્યાં દિવસમાં એકાદ વખત પાણીનો છટકાવ કરવામાં આવે તો આ મુસીબતમાંથી લોકો બચી શકે તેમ છે.