બે શો વચ્ચે હોલને સેનિટાઈઝ કરવામાં આવશે, ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન અપાશે

જામનગર મોર્નિંગ - નવી દિલ્હી


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1લી ફેબ્રુઆરીથી સિનેમાગૃહોને 100 ટકા ક્ષમતા સાથે ખોલવા આપેલી મંજૂરી બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે થિયેટરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP)  જાહેર કરી છે. સોમવારથી દેશના સિનેમાગૃહો સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરી શકાશે પરંતુ મલ્ટિપ્લેક્સ અથવા થિયેટરની અંદર તેમજ બહારના વિસ્તારમાં ભારે ભીડ નહીં કરવા, સોશિયલ ડિસન્ટન્સિંગનું પાનલ અને કોરોનાના પ્રોટોકોલનું અનુપાલન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે.   

કેન્દ્રીય મંત્રાલયની એસઓપી મુજબ હોલ, વેઈટિંગ રૂમ અને કોમન એરિયા તેમજ સિનેમા હોલ અને થિયેટર બહાર પણ લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે. હોલની અંદર પ્રવેશ કરતા લોકોએ ફેસકવર શીલ્ડ અથવા ફેસ માસ્કને ફરજિયાત પહેરી રાખવું પડશે. હોલના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ તેમજ કોમન એરિયામાં ટચ ફ્રી મોડમાં હેન્ડ સેનેટાઈઝર રાખવું પડશે. સિનેમાગૃહમાં આવતા લોકોને શ્વાસ લેવાની શીસ્ત અંગે પણ નિર્દેશ આપવામાં આવશે. જેમાં ઉધરસ અથવા છીંક આવે ત્યારે ટીશ્યૂ પેપર અથવા રૂમાલ મોં અને નાક આગળ રાખવાનું કહેવામાં આવશે. ટીશ્યૂ પેપરને હોલની અંદર ગમે ત્યાં નહીં ફેંકી યોગ્ય નિકાલ કરવા પણ જણાવાશે.  

નવી માર્ગદર્શિકા મુજબ સિનેમા હોલની અંદર અથવા બહાર લોકોના થૂંકવા પર પ્રતિબંધ હશે અને મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે. સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ અ થિયેટરના દરેક શો બાદ સેનેટાઈઝિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહન આપવાનું કેન્દ્રે માર્ગદર્શિકામાં જણાવ્યું છે. આ ઉપરાંત ફિલ્મો જોવા આવતા દર્શકોની જાગરૂકતા માટે સિનેમા હોલ માલિકોને ચોક્કસ સ્થળે શું કરવું અને શું ના કરવું તેની વિગતો સાથેના પોસ્ટર લગાવવા પણ જણાવાયું છે.