લગ્નોમાં હવે 200 લોકો સામેલ થઈ શકશે, હોલમાં યોજાતા કાર્યક્રમોમાં જગ્યાના 50%  ક્ષમતાનુ પાલન જરૂરી

સ્થાનિક ચૂંટણીને પગલે ખુલ્લા મેદાનમાં લગ્ન સિવાયના કાર્યક્રમો યોજવા મંજૂરી

જામનગર મોર્નિંગ -અમદાવાદ


ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી 1 ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. સોમવારથી રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી જ કર્ફ્યુ રહેશે. 15 ફેબ્રુઆરી સુધી આ સ્થિતિ અમલમાં રહેશે. હાલમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ છે. આ ઉપરાંત સત્કાર સમારંભ જેવા પ્રસંગોમાં હોલ અથવા સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહી પરંતુ હવે 100ની જગ્યાએ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ પ્રસંગનું આયોજન કરી શકાશે. સ્થાનિર સ્વરાજની ચૂંટણીને પગલે સરકારે ખુલ્લા મેદાનમાં થતા મેળાવડાને છૂટ આપી છે. ખુલ્લા મેદાનમાં લગ્ન સિવાયના કાર્યક્રમ માટે ખાસ તકેદારી સાથે લોકો એકત્ર થઈ શકશે.


રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


એટલું જ નહીં ગુજરાતમાં તો રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 96.94 સુધી લઇ જવામાં સફળતા મળેલી છે.  covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનં  પાલન આવશ્યક છે. આ સંદર્ભમાં પંકજકુમારે કહ્યું કે રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે.