પોલીસે ખેડૂતોને કેટલીક શરતો જણાવી છે, જે અંગે ખેડૂતોએ જવાબ આપવાનો છે

જામનગર મોર્નિંગ - દિલ્હી  


લગભગ છેલ્લા બે મહિનાથી ખેડૂતો દ્વારા નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો કાયદાને રદ કરવાની માંગ સાથે અડગ છે. જ્યારે ખેડૂતો દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે દિલ્હીના રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. સૂત્રો પ્રમાણે, ખેડૂતોએ દિલ્હી પોલીસ પાસેથી લેખિતમાં પરમિશન માગી છે. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સહમતિથી જે રૂટ નક્કી થયો છે, તેનો પણ ઉલ્લેખ કરાયો છે. પોલીસે ખેડૂતોને કેટલીક શરતો જણાવી છે. જે અંગે ખેડૂતોએ જવાબ આપવાનો છે. ખેડૂતોએ દિલ્હી પોલીસને જે એક રૂટનું સૂચન કર્યું છે, તે સિંધુ-સંજય ગાંધી હોસ્પિટલ અને બવાના છે. જ્યારે આજે સાંજે ૪.૩૦ કલાકે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ મળશે. જેમાં આ રેલી અંગે જાહેરાત થવાની શક્યતા છે.

બીજી બાજુ, પંજાબ કિસાન સંઘર્ષ કમિટીના નેતા સતનામ સિંહ પન્નૂએ કહ્યું કે, ઘણા ખેડૂતો પ્રજાસત્તાક દિને યોજાનારી ટ્રેક્ટર રેલીમાં સામેલ થવા માટે દિલ્હી આવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, ખેડૂતો દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી કાઢશે જ. પોલીસ દ્વારા તેની પરવાનગી આપવામાં આવે કે ન આવે.

ટ્રેક્ટર રેલી અંગે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ૨૬મી જાન્યુઆરીએ રેલીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતો ૨૫ હજાર ટ્રેક્ટર સાથે દિલ્હીના માર્ગે ઉતરશે. આ ટ્રેક્ટર રેલીમાં રાજકીય પાર્ટીઓને સામેલ થવાની પરવાનગી નથી.