જે લોકોએ  પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેઓ ક્યારેય કોરોના અંગે બેદરકાર રહી શકે નહીં :ડો. પિંકેશ રાઠવા

જામનગર મોર્નિંગ - અમદાવાદ 


અમદાવાદ, સુરત અને વડાદરો ત્રણ શહેરોમાં કોરોના ડ્યૂટી કરી ચૂકેલા ડો. પિંકેશ રાઠવાએ પોતાના કોરોના સાથેની લડતના અનુભવો જણાવ્યા હતા. ડો. પિંકેશ અમદાવાદ સિવિલની બી.જે. મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જૂનિયર ડોક્ટર્સ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, તેમજ તેઓ હાલ બરોડા ખાતે એસએસજી હોસ્પિટલમાં પલ્મોનરી મેડિસીન વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ જણાવે છે કે, માર્ચમાં કોરોનાના કેસ આવવાના શરૂ થયા ત્યારે મારી ડ્યૂટી સિવિલમાં હતી. પછી જુલાઈમાં અમે સુરત ગયા હતા, 15 દિવસ તરીકે પછી મારું પોસ્ટિંગ બરોડામાં થયું. તેથી મેં ત્રણેય શહેરમાં કામ કર્યું છે. મે, જૂન મહિનામાં જ્યારે એક સાથે કેસ વધી રહ્યાં હતા અને હોસ્પિટલમાં રાત્રે એક સાથે મોટી સંખ્યામાં પેશન્ટ આવતા એ વખત અમારા માટે સૌથી પડકારજનક સમય હતો. ડ્યૂટીમાં ઓછો સ્ટાફ હોય અને રાત્રે ૩ વાગ્યે એક સાથે દર્દીઓ આવે. 1200 બેડની હોસ્પિટલમાં પણ બેડ ખૂટી પડતા હતા. અમારા બધા જ સિનિયર ડોક્ટર્સ અમને પહેલાંથી જ એક સલાહ આપતા હતા કે, આ પેન્ડેમિકમાં રોજ નવા પડકારો આવશે અને અનેક પરિવર્તનો આવશે. તેથી તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી જરૂરી છે. તેના માટે પુરતી ઊંઘ અને પુરતો આહાર જરૂરી છે. પુરતી ઊંઘ તો ઘણી વખત શક્ય બનતી નહોતી, પરંતુ અમે લોકો જમવામાં બહુ ધ્યાન રાખતા હતા. તેથી બહુ વાંધો આવતો નહોતો. 


એ વખતે લોકડાઉનના કારણે બહારની દુનિયા સાથે અમારો કોઈ સંપર્ક રહ્યો નહોતો. પરિવાર સાથે પણ ફોન પર જ વાત કરતા હતા. તેથી અમે રેસિડેન્ટ ડોક્ટર્સ જ્યાં રહેતાં ત્યાં જ અમારે એકબીજા સાથે પરિવાર જેવો માહોલ બની ગયો હતો. અમે જ સ્વસ્થ ન હોઈએ તો દર્દીઓની સારવાર સારી રીતે કઈ રીતે થઈ શકે? એ સમયે હું છથી સાત મહિના સુધી પરિવારને મળ્યો નહોતો! મારું પોસ્ટિંગ બરોડા થયું પછી હું પરિવારને મળી શક્યો. ત્યાં પણ પહેલાં ડ્યૂટી અને પછી 14 દિવસનું કોરેન્ટાઈન કરીને બે દિવસ પરિવારને મળવા જતો હતો. અમને સ્ટ્રેસ કે ચિંતા વિશે વિચારવાનો પણ સમય નહોતો મળતો. હોસ્પિટલમાં દર્દીઓ વધી ગયા હોવાથી અમારા માટે નવા પડકારો, સમગ્ર વિશ્વ પહેલી વખત પેન્ડેમિકનો સામનો કરતું હોય ત્યારે અમારી પોતાની ચિંતા તો અમને યાદ જ નહોતી. શરૂઆતમાં દસ દિવસનું લોકડાઉન આવ્યું ત્યારે કમિશનરે જાહેરાત કરી કે દૂધ અને દવા સિવાય કશું નહીં મળે ત્યારે અમારી હોસ્ટેલમાં લગભગ હજાર વિદ્યાર્થીની રસોઈ માટે શાકભાજીની વ્યવસ્થા કરવાની હતી. આમ અમારી સામે દર્દીઓ સાથે અમારા પોતાના પડકારો પણ એટલાં જ હતાં. પહેલાં તો ડોક્ટર્સ પણ માત્ર સારવારનું જ કામ કરતાં તેઓ ક્યારેય લોકો સામે જઇને કોઈ વાત કરતા નહોતા, પરંતુ લોકોમાં કોરોના માટેનો હાઉ જોઈને એ લોકો વિવિધ માધ્યમો દ્વારા લોકો સામે ગયા અને લોકજાગૃતિનું કામ કર્યું. 


આજે પણ અમે ઘણા લોકોને કોરોના અંગે બેદરકારી દાખવતા જોઈએ છીએ ત્યારે અમે એવું ઇચ્છીએ નહીં પણ એક વિચાર જરૂર આવે કે, જે લોકોએ આ પેન્ડેમિકમાં પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેઓ ક્યારેય કોરોના અંગે બેદરકાર રહી શકે નહીં. હું સામાન્ય રીતે ભાવુક થતો નથી. સુરતમાં હતો ત્યારે આજુબાજુના ત્રણ વોર્ડમાં માતા, પિતા અને તેમનો દીકરો દાખલ થયેલા હતા. પિતા કોરોનાગ્રસ્ત હતા અને આઈસીયુમાં હતા. માતા પણ પોઝિટિવ હતા. દીકરો શંકાસ્પદ હતો, હજુ એ પોઝિટિવ છે કે નહીં તેનો રિપોર્ટ આવ્યો નહોતો. એક જ દિવસમાં માતા-પિતા બંનેનું અવસાન થયું અને કોઈ દીકરાને કહી શકે તેમ નહોતું. આ સ્થિતિમાં આપણે સ્વભાવથી ભાવુક ન હોવાછતાં ભાવુક થઈ જતાં હોઈએ છીએ. તે પોતાના માતા-પિતાને અંતિમ સમયમાં ઇચ્છા હોવા છતાં મળી શક્યો નહીં. અમારા ઘણા જુનિયર ડોક્ટર્સ એવા હતા, જે પેશન્ટને પ્રાણાયામ કરાવતા, તો કોઈ તેમના માટે વાંસળી વગાડતાં કે મ્યુઝિક પણ વગાડતાં હતાં. અમે દર્દીઓનું ધ્યાન કોરોના પર ન રહીને હકારાત્મક રહે તે માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ.