જામનગર મોર્નિંગ - દ્વારકા તા.19 : દેવભૂમિ દ્વારકાના કુરંગાગામ સ્થિત ઘડી ડિટરઝંટ આર.એસ.પી.એલ. કંપની દ્વારા કુરંગા ગામ તથા આસપાસના ગામડાઓના બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં ઓરમાયું વર્તન કરાતું હોવાની ફરીયાદ સાથે દ્વારકા પ્રાંત અધિકારીને કુરંગા ગામ તથા આસપાસના યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 


જેઓની રજૂઆતમાં જણાવ્યા અનુસાર સ્થાનીકોને ૭૯ ટકા રોજગારી આપવાના મુદ્દે કંપની જોહુકમી કરી રહી છે અને સ્થાનીકો તેમજ ગુજરાતી ગુજરાતીઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવી રહયુ છે. સ્થાનીય મજૂરોથી લઇને સિક્યુરિટી, ડ્રાઇવર તેમજ ટેકનીકલ સહિતના સ્થાનીક ઉમેદવારોને રોજગારી આપવામાં કંપની રસ દાખવતી ન હોય સ્થાનીય શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય થઇ રહયો છે. આ સાથે સ્થાનીક ઉમેદવારો સાથે ભેભાવ કરી યેનકેન હેરાનગતિ કરી ખોટા આરોપો સાથે બ્લેક લીસ્ટ કરવાના બનાવો સતત વધી રહયા હોવાની પણ ફરીયાદ કરાઇ છે. સ્થાનીય ગરીબ પરીવારોના બેરોજગાર યુવાનોને રોજગારીનો પ્રથમ હકક મળે તે હેતુ કંપનીના રોજગારી ડેટા ચેક કરવાની માંગ પણ અરજદાર યુવાનો દ્વારા કરવામાં આવી હતી. આ અંગે યોગ્ય પગલાં નહિં લેવાય તો બેરોજગારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.