આગામી બે વર્ષમાં દેશમાં યોજાનારી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ભાગ લેશે

જામનગર મોર્નિંગ - દિલ્હી 


આદ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી બે વર્ષમાં દેશમાં યોજાનારી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ભાગ લેશે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, પંજાબ, ગોવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતરશે.

બેઠકમાં અરવિંદ કેજરીવાલે ગણતંત્ર દિવસે થયેલી હિંસા અંગે કહ્યું કે, જે પાર્ટી હિંસા માટે જવાબદાર છે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. તેમણે કહ્યું કે, ખેડૂતોનો સાથ આપવા માટે ઝંડા, ડંડા અને પોટી ઘરે  જ છોડીને જાવ, એક સામાન્ય નાગરિક બનીને ખેડૂતોનું સમર્થન કરો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજકાલ આપણા દેશના ખેડૂતો બહુ દુખી છે. ૭૦ વર્ષથી તમામ પાર્ટીઓએ મળીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોઇને તેમનું દેવું માફ ન કર્યું, તેમના બાળકોને નોકરી ન આપી, જ્યારે છેલ્લા ૨૫ વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી. 

કેજરીવાલે કહ્યું કે, ૨૬મી જાન્યુઆરીએ થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવી રહ્યાં છે. જે પણ પાર્ટી તેના માટે અસલમાં જવાબદાર છે તેને કડકમાં કડક સજા મળવી જોઇએ.