જામનગર મોર્નિંગ -  નવી દિલ્હી


દેશના 72માં પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં વિવિધ સ્થળે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને પગલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે બે અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓમાં ટ્રેક્ટર રેલી વખતે હિંસા ભડકતા તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટ નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ પંચ નીમે તેવી માગણી કરવામાં આવી હતી. અન્ય એક અરજીમાં ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો દાવો કરતી કોઈપણ પુરાવા વગર મીડિયા તેમને આતંકવાદી તરીકે ના દર્શાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મંગળવારે દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ યોજી હતી. દિલ્હી સરહદ પર યોજાયેલી ટ્રેક્ટર પરેડમાં હજારો ખેડૂતો દેખાવો કરવા એકત્રિત થયા હતા. જોતજોતામાં ટ્રેક્ટર પરેડ હિંસક બની ગઈ હતી અને ખેડૂતોએ દિલ્હી સરહદ પર સુરક્ષા માટે ગોઠવેલા બેરિકેડ્સને તોડવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું અને ખેડૂતો ઉગ્ર દેખાવો સાથે મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારો સુધી ધસી ગયા હતા. લાલ કિલ્લા પર ચઢી ગયા હતા અને ત્યાં સ્તંભ પર ધાર્મિક તેમજ ખેડૂત આંદોલનનો ધ્વજ ફરકાવ્યો હતો.  


અરજી કરનાર વિશાલ તિવારીએ આ સમગ્ર હિંસા મુદ્દે તપાસ પંચ નિમમવાની માગ કરવા સાથે હિંસા માટે જવાબદાર લોકો વિરુદ્ધ લાગતાવળગતા સત્તાધીશોને ફરિયાદ દાખલ કરવા નિર્દેશ આપવા તેમજ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ પણ આકરા પગલાં લેવા માગ કરી છે. તિવારીએ અરજીમાં રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસના અધ્યક્ષસ્થાને હાઈકોર્ટના અન્ય બે જજ મળીને કુલ ત્રણ જજોની પેનલનું ગઠન કરી આ સમગ્ર ઘટનાના પુરાવા મેળવી તેની યોગ્ય તપાસ કરી તેનો અહેવાલ ચોક્કસ સમયમર્યાદામાં સુપ્રીમ કોર્ટને સોંપે. ખેડૂતો છેલ્લા બે મહિનાથી દિલ્હી આસપાસની સરહદ પર શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અ એકાએક ટ્રેક્ટર પરેડ વખતે હિંસા ભડકી હતી.


એડવોકેટ એમ એલ શર્માએ બીજી અરજી કરીને આ હિંસા એક સુનિયોજીત કાવતરું હોવાનો દાવો કર્યો છે અને ખેડૂતો પર આનાથી ખોટા પ્રહાર કરાયો છે તેમજ તેમને ખોટી રીતે આતંકવાદી દર્શાવવામાં આવ્યા છે.


શર્માએ તેમની અરજીમાં અનુરોધ કર્યો છે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર તેમજ મીડિયાને નિર્દેશ આપીને જણાવે કે કોઈપણ પુરાવા વગર ખેડૂતોને આતંકવાદી તરીકે ના દર્શાવે.


સુપ્રીમ કોર્ટમાં તિવારી દ્વારા કરાયેલી પ્રથમ અરજીમાં વધુમાં જણાવાયું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ રીતે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસક બની ગઈ હતી અને તેને પગલે અનેક લોખો ઘાયલ થયા હતા તેમજ જાહેર મિલકતને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું હતું. સરકારે હિંસાને પગલે કેટલાક વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી જેને પગલે લોકોને હાલાકી પડી હતી. પ્રવર્તમાન સમયે કોર્ટપણ ઓનલાઈન કામકાજ કરી રહી છે ત્યારે ઈન્ટરનેટ સેવા ખૂબજ મહત્વની જરૂરિયાત પૈકી એક છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન દોરાયું હતું. ખેડૂતોનું આંદોલન બે મહિનાથી ચાલી રહ્યું છે અને અચનાક 26 જાન્યુઆરીના ટ્રેક્ટર પરેડ વખતે જ શા માટે હિંસા ભડકી. આ પછળ કોણ જવાબદાર છે. બન્ને પક્ષે આક્ષેપો થઈ રહ્યા છે જેથી નિષ્પક્ષ તપાસ જરૂરી છે. કેટલાક સ્થાપિત હિતો દ્વારા ખેડૂતોને બદનામ કરવા આ ષડયંત્ર રચાયું હોવાની આશંકા છે માટે નિવૃત જજના વડપણ હેઠળ તપાસ ખવી જોઈએ તેવી માગ અરજીમાં કરવામાં આવી છે.