જામનગર મોર્નિંગ - કોચ્ચિ

વિશ્વમાં વેક્સીન ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા નવજાત શિશુ માટે પણ કોરોના વેક્સીન વિકસાવી રહી છે. જે એક મહિનાના નવજાતને લગાવી શકાશે. સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં EXIM ગ્રુપના ડાયરેક્ટર પીસી નાંબિયારે આ અંગે જણાવ્યું હતું કે, બાળકોને લાગતી કોવિડ વેક્સીન આ વર્ષના ઓક્ટોબર સુધી તૈયાર થશે, જે એક મહિનાના શિશુને પણ લગાવી શકાશે. 

નાંબિયારે આ એલાન કેરળના કોચ્ચિમાં એક કાર્યક્રમ દરમિયાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વેક્સીન જે બાળકોને આપવામાં આવશે, ભવિષ્યમાં બાળકોના સંક્રમિત થવા પર દવા તરીકે પણ આપવામાં આવે એ રીતે વિકસિત કરવામાં આવશે. આ દરમિયાન તેમણે એવુ એલાન પણ કર્યું હતું કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ અન્ય ચાર કોરોના વેક્સીન તૈયાર કરી રહ્યું છે જે વર્ષાંતે ઉપયોગ માટે તૈયાર થઇ જશે. 

કોવિશીલ્ડના ઉત્પાદનને અંગે તેમણે જણાવ્યું હતું કે, ઉત્પાદન ક્ષમતા એપ્રિલ સુધી 20 કરોડ ડોઝ સુધી વધારવામાં આવશે. વેક્સીનેશન પછી સાઇડ ઇફેક્ટના રિપોર્ટને ફગાવતા નાંબિયારે કહ્યું હતું કે, રસી લગાવ્યા પછી માથાનો સામાન્ય દુખાવો, તાવ એ સાધારણ લક્ષણ છે. તેમના મત મુજબ સંક્રમણમાંથી ઉભરી આવેલા લોકોએ પણ વેક્સીન લેવાની જરુર છે કારણ કે, કોરોના વાયરસ વિરુદ્ધ રોગ પ્રતિકારકશક્તિઅમુક સમય સુધી જ અસરકારક રહે છે.