• શિવરાજપૂર બીચમાં ચાલતા વ્યાપક ગોટાળા અને ભ્રષ્ટાચાર અંગે ખુલ્લાસા કરવા માટે અરજદારે તા.16-01-2021ના રોજ જીલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં અરજી કરીને જાહેરમાં મીડિયા સમક્ષ વિગતો આપવા પડકાર ફેંક્યો છે.

જામનગર મોર્નિંગ - દ્વારકા તા.5 : દેવભૂમિ દ્વારકાના દ્વારકા નજીક આવેલ અને વિશ્વ ખ્યાતિ પામેલ બ્લ્યૂ ફ્લેગની માન્યતા ધરાવતા શિવરાજપૂર બીચમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફીના નામે કૌભાંડ થતું હોવાનું દ્વારકાના જાગૃત નાગરિક અને આર. ટી. આઈ. એક્ટિવિસ્ટ અશોકભા માણેક દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ શિવરાજપૂર બીચમાં આવતા પ્રવાસીઓ માટે એન્ટ્રી ફીના 50/- અને પાર્કિંગ ફી ના 30/- રૂપિયા વસુલવામાં આવે છે જેની પહોંચમાં કોઈ અધિકારીની સહી કે તારીખ હોતી નથી તેમજ તે પહોંચની પાછળના ભાગમાં અમુક હોટેલઓની જાહેરાત લગાવવામાં આવી રહી છે. તારીખ અને સહી વિનાની પહોંચો ટિકિટોથી લેવામાં આવતા રૂપિયામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું અરજદારે જણાવ્યું છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીના ઓનલાઇન પોર્ટલ પર પણ ફરિયાદ કરી હતી જેના અનુસંધાને મુખ્યમંત્રી કાર્યાલયએ અરજદાર શ્રી અશોકભા માણેક દ્વારા લગાવવામાં આવેલ આરોપની તપાસ માટે ગુજરાત સરકારના મહેસુલ અને વન અને પર્યાવરણ વિભાગને સૂચના અપાઈ છે.