• વોર્ડમાં પોણા ત્રણ કરોડ ખર્ચે ટાઉનહોલ બની ગયો પણ વોર્ડના અનેક વિસ્તારમાં ગંદા પાણી નિકાસની સુવિધા નથી.
  • વિકાસના કામો વોર્ડના છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવામાં નગરપાલિકા ઉણી ઉતરી હોય તેવું સ્થાનિકોનું માનવું છે.

પ્રજાના ઝરૂખેથી - ભરત હુણ

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.6 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર - 2માં વર્ષ 2016 થી 2020 દરમિયાન નગરપાલિકાની વિવિધ યોજનાઓ તળે પાંચ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવેલ જેમાં પોણા ત્રણ કરોડને ખર્ચે ટાઉનહોલ, સિનિયર સીટીઝન પાર્ક, અલગ - અલગ વિસ્તારમાં પેવરબ્લોક, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ વિગેરેનું કામ કરવામાં આવેલ.


વોર્ડ નંબર બેની આજરોજ રૂબરૂ મુલાકાતમાં વોર્ડમાં મહતમ ભાગમાં રોડ રસ્તાની સુવિધા સારી હતી અમુક વિસ્તારમાં ધૂળિયા માર્ગ જોવા મળ્યા હતા. તે સિવાય સફાઈમાં પચાસ ટકા શ્રીમંત વિસ્તારોમાં શેરીઓ ચકાચક સફાઈ થયેલ જોવા મળી હતી જયારે પછાત વિસ્તારોમાં શેરીઓમાં ભૂગર્ભ ગટરના પાણી, ગંદકી, અમુક જગ્યાએ નાની તલાવડી જેવા ગન્દા પાણી જોવા મળ્યા હતા. તે સિવાય વોર્ડમાં આવેલ ત્રણ જાહેર શૌચાલય પૈકી બે શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યા હતા. વોર્ડમાં સિનિયર સીટીઝન પાર્ક અને ટાઉનહોલનું કામ અફલાતૂન છે પણ અમુક વિસ્તારમાં એવો પણ અવાજ ઉઠ્યો હતો કે પહેલા પાયાની સુવિધા આખા વોર્ડમાં પુરી પાડો પછી જે પાર્ક  બનાવવા હોય તે બનાવજો. વોર્ડના છેવાડાના વિસ્તાર સુધી વિકાસની સુવાસ પહોંચાડવામાં નગરપાલિકા ઉણી ઉતરી હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે જયારે અનેક લોકો નગરપાલિકાના કામથી સતુષ્ટ પણ જોવા મળ્યા હતા.