• તા. ૧૬ જાન્યુઆરીથી ગુજરાતમાં પણ કોરોના વેક્સિનેશન શરૂ થશે -વેકિસન સુરક્ષિત-સૌ અપાવે 
  • ગુંડાઓ ગુજરાત છોડે-મારી સરકારે માફીયાઓને સખત સજા માટે કાયદા બનાવ્યા છે 
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાતની કાયાપલટ કરનારા અગ્રીમ પ્રોજેક્ટસનો પ્રારંભ કરવામાં છે
  • વિકાસ એ જ મારી નિર્ણાયક સરકારનો મંત્ર છે- અમે દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં પ્રજાલક્ષી નિર્ણય છીએ 
  • કોરોના કાળમાં પણ ગુજરાતના વિકાસને અટકવા દીધો નથી-રાજય સરકારે કોરોના સંક્રમણ વચ્ચે રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો 
  • જામનગરને રૂ. ૧૯૮ કરોડના ફ્લાય ઓવરબ્રિજ સહિત રૂ. ૫૭૮ કરોડના ૩૯ વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી 
  • જામનગરમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવાશે

જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતના શહેરોને વર્લ્ડ કલાસ સુવિધાયુકત કરીને ટ્રાફિક, ફાટક અને પ્રદુષણની મુક્તિ સાથે રહેવા અને માણવા લાયક બનાવવા છે. ગામડાના આત્માને પણ જાળવી રાખીને શહેરો જેવી સુવિધા સાથે ગુજરાતને અગ્રિમ વિકાસનું સરનામું બનાવવું છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયાને આગળ વધારીને વિકાસની નવી સિધ્ધીઓ હાંસલ કરીને ગુજરાત આદર્શ જીવનશૈલી સાથે સુખ-સુવિધાયુકત રાજય બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. 

 મુખ્યમંત્રીશ્રીએ જામનગરમાં રૂ. ૧૯૮ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજનું ખાતમૂર્હત સહિત રૂ. ૫૭૮ કરોડના ૩૯ વિકાસકામોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં જામનગર શહેરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુધ્ધ થયેલ પાણીને મોટી ખાવડી પાસેની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ્ને આપવાના ૧૨૧ કરોડના કામનું ખાતમુહૂર્ત, માર્ગ મકાન વિભાગ પંચાયતના રૂ. ૨૪ કરોડના ૨૦ કામોનું ખાતમુહુર્ત અને મહાનગરપાલિકાના રૂ. ૪૪ કરોડના ૭ કામોનું ખાતમુહુર્ત અને ૧૩૩ કરોડના ૫ કામોનું લોકાર્પણ કર્યું હતું.  

ઉપરાંત જેટકોના રૂ. ૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત અને લોકર્પણ તથા ૧૭ કરોડના ખર્ચે જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ ફાઉન્ડેશન અને કે એન્ડ ડી કોમ્યુનીકેશનના સહયોગથી બનેલ અક્ષયપાત્ર સેન્ટ્રલાઇઝ મેગા કીચનનું લોકાર્પણ કર્યું હતું.  

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકોની સંપત્તિની રક્ષા કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરીને સ્પષ્ટ કહ્યું કે, ગુંડાઓ ગુજરાત છોડે, મારી સરકારે અસામાજીક તત્વો અને માફીયાઓને કડક સજા થાય તે માટે કાયદાઓ બનાવ્યા છે. લોકોની મિલ્કત ગેરકાયદેસર રીતે અને ધાક-ધમકીથી પચાવી પાડનારાઓને જેલ ભેગા કરવા છે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ જામનગરના વિકાસની વિભાવનાને આગળ વધારતા મહત્વની જાહેરાત કરી હતી કે, જામનગરમાં વર્લ્ડ કલાસ સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવાશે. હાલારના ગૌરવવંતા રમતવીરોને યાદ કરીને મુખ્યમંત્રીશ્રીએ આ સ્પોર્ટસ મ્યુઝિયમનું નામ સર જામ રણજીતસિંહજી રખાશે તેમ સગૌરવ જણાવ્યું હતું.     

 કોરોનાનો હાલનો ઇલાજ વેકિસન છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ૧૬૧ સ્થળોએ કોરોનાની વેકિસન તબીબો અને આરોગ્ય કાર્યકર્તાઓને આવતીકાલે તા. ૧૬ જાન્યુઆરીથી આપવામાં આવશે. કોરોના સામેના આ સીધા જંગના આ અભિયાનમાં તેઓ અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ સિવિલ હોસ્પીટલ અમદાવાદથી રસીકરણ કાર્યક્રમમાં સહભાગી થશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતના રસીકરણ કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળશે. રસી સુરક્ષિત છે અને સૌ અપાવે તેવી અપીલ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે તેમ જણાવતાં કહ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ અટક્યો નથી, રૂ. ૨૫ હજાર કરોડના વિકાસકામોનો પ્રારંભ થયો છે. મારી સરકારમાં દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં પ્રજાલક્ષી ક્લ્યાણકારી અનેક નિર્ણયો લેવાય છે. 

અગાઉ અઢી દાયકા પહેલા ખાતમુહુર્ત થતા અને લોકો કામોની રાહ જોતા હતા જ્યારે અમારી સરકારમાં ખાતમુહુર્ત અમે કરીએ છીએ અને તેનું તુરંત લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. 

 આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાઇજીન, પોષણ અને શિક્ષણના ત્રિવેણી સંગમરૂપી એવી અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હેપીનેસ કીટ બાળકોને અર્પણ કરવામાં આવી હતી. 

 સાંસદ શ્રી પૂનમબેન માડમે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહી જણાવ્યું હતું કે, ગ્રામીણ-શહેરી દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ, સુસાશન માટેની નવી પોલીસીઓના ત્વરિત ઘડતર અને અમલ દરેક બાબતે ગુજરાત દેશમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીશ્રીએ માળખાગત વિકાસ અને સામાજિક કાર્યોમાં વિકાસલક્ષી કામગીરી કરી ગુજરાતને અન્ય માટે રોલ મોડેલ બનાવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ દરેક વર્ગ સાથે વ્યક્તિગત રીતે જોડાઈને તેમની સંવેદનાઓ અનુભવી લોકાભિમુખ, સંવેદનશીલ અને પારદર્શી સરકારનું નેતૃત્વ કર્યું છે તેમ કહી સાંસદશ્રીએ જામનગરને મળનાર ફ્લાયઓવર અને અક્ષયપાત્ર યોજનાઓના લાભ માટે આભાર વ્યક્ત કર્યો હતો. 

 કાર્યક્રમના પ્રારંભે જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સતીષ પટેલે સર્વે મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પક્ષના હોદ્દેદારો અને ઓશવાળ શિક્ષણ સંઘ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સત્ય સાંઇ સ્કૂલની બાળાઓ અને સંગીત શિક્ષકોએ સંગીત સુરાવલી રજુ કરી હતી. 

 આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ, રિલાયન્સ ગ્રૂપના શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી જગમોહન કૃષ્ણદાસાજી, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી મનહરભાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, પ્રભારી સચિવ શ્રી નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ વગેરે મહાનુભાવો-પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.